રાજકોટ: સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજ સવારથી જ આગાહી અનુસાર મેઘાડંબર છવાયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો બાદ અચાનક મેઘરાજાએ તોફાની બેટિંગ આદરી હતી. એક કલાકમાં જ એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરનાં મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થયા હતા. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી હજી પણ વરસાદ ચાલું જ છે. હવામાન વિભાગે અગાઉથી જ કરેલી આગાહી અનુસાર તંત્ર દ્વારા NDRF ની એક ટીમ તહેનાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે પોતાના રંગીલા મિજાજના કારણે જાણીતા રાજકોટવાસીઓ કોરોનાને કારણે ખુબ જ કંટાળી ચુક્યાં છે. તેવામાં વરસાદ પડતાની સાથે જ રાજકોટવાસીઓ વરસાદની મોજ લેવા માટે બહાર નિકળી ગયા હતા. તો કોઇ લોકો વાહન લઇને નિકળી ગયા હતા. શહેરના યુનિવર્સિટી રોડ, રેલનગર, મોરબી રોડ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 


જો કે વરસાદનાં કારણે પાણી ભરાતા સામાન્ય જનજીવન પર તેની ગંભીર અસર પડી છે. તો બીજી તરફ પહેલા વરસાદમાં જ તંત્ર દ્વારા પ્રિમોનસુન કામગીરીનાં નામે કરવામાં આવેલા મોટા મોટા દાવાઓ ધોવાઇ ગયા હતા. શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. અનેક વિસ્તારોમાં તો ઘૂંટણસમા પાણી ભરાઇ જવાનાં કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube