ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં સતત ચોથા દિવસે આજે વરસાદ પડ્યો હતો. શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને સાંજ થતાં વરસાદ શરૂ થયો હતો. રાજકોટના બસ સ્ટેન્ડ, કેનાલ રોડ, 150 ફુટ રિંગ રોડ, મહિલા કોલેજ, કિસાનપરા ચોક, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના અન્ય તાલુકામાં પણ મેઘરાજાનું આગમન
રાજકોટ શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. પડધરી તાલુકાના ઘણા ગામમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. 




રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ આજે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. ગોંડલના વાસાવડ ગામમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ગઈકાલે પણ ગોંડલ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ચોમાસાનું સમયસર આગમન થતા ધરતીપુત્રો પણ ખુશ છે. 



રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
ગાંધીનગર ખાતે રાહત નિયામક સી. સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી, જેમાં IMDના અઘિકારી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે, તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube