સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ: ઉનામાં ધોધમાર, રાજકોટમાં એક કલાકમાં 1 ઇંચ
રાજકોટમાં ધીમીધારે ફરી એકવાર વરસાદે શરૂ કરતા ગીરસોમનાથ અને જુનાગઢ જિલ્લાનાં રહીશોના જીવ તાળવે ચોંટ્યા
રાજકોટ : સૌરાષ્ટ્રમાં ઉના, કોડીનાર, ગિરગઢડા સહિતના આજુબાજુના જિલ્લાને મેઘરાજાએ બાનમા લીધા બાદ વિરામ લીધો હતો. પરંતુ હજુ બીજો રાઉન્ડ આવશે તેવું હવામાન ખાતામાંથી જાણવા મળી રહ્યું છે. જો કે આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર પછી મેઘરાજા ઉના, સૈયદ રાજપરા ગામમાં ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યા છે અને રાજકોટમાં મુશળધારા વરસાદ ચાલુ થતા એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાયા છે.
વરસાદના કારણે દેલવાડા કોઝ-વે પરથી મચ્છુન્દ્રી નદીના પાણી ફરી વળતા 20 જેટલા ગામોમાં જવા માટેના રસ્તાઓ બંધ થયા છે. રાજકોટમાં મુશળધાર વરસાદ શરૂ થતા લોકોએ રાહત અનુભવી રહ્યા છે. તેમજ રાજકોટ જિલ્લામાં શાપર અને ગોંડલ સુધી વરસાદી માહોલ ફરી એકવાર જામી ચુક્યો છે.
રાજકોટમાં સારા વરસાદનાં બે રાઉન્ડ આવ્યા હતા. પહેલી વખત 4 ઇંચ અને છેલ્લે સાડાસાત ઇંચ વરસાદ વરસ્યો હતો. જો કે આઝે ફરી વરસાદ ચાલુ થઇ ગયો હતો. આગામી બે દિવસમાં ફરી વરસાદ વરસશે. જો કે ઉપરવાસમાં સારા વરસાદને કારણે ન્યારી, આજી અને ભાદર સહિતનાં ડેમ છલકાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પંથકના ઉપલેટા ગોંડલ, શાપર, વેરાવળ, કોટડાસાંગાણીમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં 8થી11 ઇંચ જેટલા વરસાદ નોંધાયો છે.
ફરી ગીરસોમનાથ, ઉના અને પોરબંદરમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ
બે દિવસ હજુ સિસ્ટમ સક્રિય છે ત્યારે ફરી બે દિવસ સૌરાષ્ટ્રમાં મેઘરાજા પધરામણી કરશે. દરિયા કિનારા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ફરી ગીર-સોમનાથ, પોરબંદર, કોડીનાર, જામનગરનો સમાવેશ થાય છે.