દીક્ષિત સોની/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. આજકાલ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં જોડાવવા અંગે ભારે ચર્ચા ચાલી રહી હતી, જેનો અંત આવ્યો છે. નરેશ પટેલે આખરે કોંગ્રેસમાં જોડાય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનના જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઈ છે. જેમાં રાજનીતિમાં જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચી જવાનો સમગ્ર ખેલ પાડ્યો છે. પ્રશાંત કિશોરની ફોર્મ્યૂલા આખરે રાહુલ ગાંધીએ સ્વીકારી છે. જેના કારણે હવે થોડા સમયમાં નરેશ પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે તેની સત્તાવાર જાહેરાત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે 29 માર્ચે જ ZEE 24 કલાકે સૌથી પહેલા આ સમાચાર દર્શાવ્યા હતા. અગાઉ ભાજપ, કોંગ્રેસ અને આપ તમામ પાર્ટીએ નરેશ પટેલને પાર્ટીમાં જોડાવવા અંગે આમંત્રણ આપ્યું હતું. 


ગુજરાતમાં કોંગ્રેસે ભાજપને ઘેરવા એક રણનીતિ ઘડી છે અને તેના માટે પુરેપૂરું ગ્રાઉન્ડ વર્ક પણ કરી લીધું છે. ભાજપને પડકારવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક નવો જ રાજકીય દાવ ખેલ્યો છે. જે વિરોધી પક્ષોને પણ ઝટકો આપનારો છે.


નરેશ પટેલનું લાંબા સમયથી ચાલી રહેલુ ચલક ચલાણાનો અંત આવી ચુક્યો છે. આજે જે પ્રકારે પત્રકાર પરિષદ યોજીને સંકેતો આપવામાં આવ્યા તે જોતા તેઓ રાજકારણમાં જોડાય તે તો નક્કી થઇ જ ગયું હતું. જો કે તેઓ કયા પક્ષ સાથે જોડાય તે મુદ્દે ભારે અવઢવ હતી. પાટીદાર સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં નરેશ પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે આ મુદ્દાએ ભારે ઉત્કંઠા જગાવી છે. જો કે નરેશ પટેલ આપમાં જોડાય તેવી શક્યતાઓ નહીવત્ત છે તેવો અહેવાલ અગાઉ ZEE 24 KALAK પ્રસિદ્ધ કરી ચુક્યું છે. જો કે હવે નરેશ પટેલ ક્યાં જાય છે તે અંગેના EXCLUSIVE સમાચાર અહીં જ મળશે.


રાહુલ ગાંધી-રઘુ શર્મા સાથે લાંબી ટેલિફોનિક વાતચીત
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલની અગાઉ રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત થઇ હતી. જેમાં નરેશ પટેલે પોતાની તમામ માંગણીઓ રાહુલ ગાંધી સામે મુકી હતી. આ ઉપરાંત નરેશ પટેલને કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવશે. આ ઉપરાંત પક્ષમાં તેમની વાતને વધારે મહત્વ આપવા અંગે પણ સંમતિ સધાઇ હતી. 


આખરે હાર્દિકનો 'હાથ' મજબુત કરશે નરેશ પટેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજકારણમાં આવવાની જાહેરાત કરી ત્યારથી જ ગોપાલ ઇટાલિયા તેમને આપમાં અને હાર્દિક પટેલ તેમને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ આખરે નરેશ પટેલ હાર્દિકનો "હાથ" મજબુત કરવા માટે આવી પહોંચ્યા છે. તેઓ ચૈત્રી નવરાત્રી દરમિયાન અધિકારીક રીતે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાશે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી તો હાજર રહેશે આ ઉપરાંત પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે. 


સુત્રો અનુસાર નરેશ પટેલની સાથે સાથે પ્રશાંત કિશોર પણ અધિકારીક રીતે કોંગ્રેસમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન જોડાઇ શકે છે. તેઓને રાષ્ટ્રીય કોંગ્રેસના કેમ્પેઇન કમિટીના કર્તાધર્તા બનાવવામાં આવી શકે છે. જેથી રાષ્ટ્રીય સ્તરના તમામ કેમ્પેઇન પ્રશાંત કિશોર સંભાળશે. એટલે કે ગુજરાત ખાતે કોંગ્રેસનાં ચાણક્ય નરેશ પટેલ અને રાષ્ટ્રીય સ્તરે પ્રશાંત કિશોર રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube