સુરત : 21 દિવસમાં દંપતીનું મોત, 6 મહિનાનો પુત્ર નોંધારો બન્યો
સુરતમાં એક હૃદયદ્રાવક કિસ્સો બન્યો છે. આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કરનાર પત્નીના ગમમાં પતિનું પણ મોત થયું. પતિ પત્નીએ એકસાથે સ્વર્ગની વાટ પકડતા હવે 6 મહિનાનો પુત્ર નોંધારો બન્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં એક હૃદયદ્રાવક કિસ્સો બન્યો છે. આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કરનાર પત્નીના ગમમાં પતિનું પણ મોત થયું. પતિ પત્નીએ એકસાથે સ્વર્ગની વાટ પકડતા હવે 6 મહિનાનો પુત્ર નોંધારો બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કામરેજ ગામના માકણા ગામે અશોક ઘાંચીનો પરિવાર રહે છે. અશોક ઘાંચી મૂળ રાજસ્થાનના હતા. તેઓ સુરતમાં એક કેટરર્સમાં રસોઈયા તરીકે કામ કરતા હતા. પરિવારમાં પત્ની રિન્કુ અને 6 માસનો દીકરો હતો. થોડા દિવસ પહેલા પત્ની રિન્કુએ અગમ્ય કારણોસર ઘરમા જ આત્મહત્યા કરી હતી. પત્નીના મોતનો અશોક ઘાંચીને જોરદાર આંચકો લાગ્યો હતો. આ સાથે જ તેઓ માનસિક તણાવમાં રહેતા હતા.
પત્નીની અંતિમ વિધિ કરીને તેઓ શુક્રવારે સુરત પરત ફર્યા હતા. સુરત આવતા પહેલા પોતાના 6 મહિનાના દીકરાને ભાઈ-ભાભી અને માતા-પિતા પાસે રાજસ્થાનમાં છોડીને આવ્યા હતા. ત્યારે અચાનક સોમવારે અશોકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેમણે દુખાવો ઉપડતા બૂમ પાડી હતી. જેથી તેમના મિત્રો મદદે આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જ અશોકે દમ તોડ્યો હતો.
ટૂંકા ગાળામાં એકસાથે પતિ અને પત્નીનું મોત નિપજતા તેમનો છ મહિનાનો દીકરો નોંધારો બન્યો છે. હવે તેને પોતાના પરિવારજનોનો સહારા પર જ જીવવુ પડશે.