રાજસ્થાનના કોરોના દર્દીના મૃતદેહને અમદાવાદની હોસ્પિટલમાંથી બારોબર લઈ ગયા પરિવારજનો
દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ગંભીર અને ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવે છે. હજી પણ લોકોની આંખ ઉઘડતી નથી. આવી જ એક ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં કે જ્યાં કોરોનાગ્રસ્ત પિતાને પુત્ર હોસ્પિટલમાંથી બારોબાર ઘરે લઈ જતા નોડલ ઓફિસરને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવવી પડી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ગંભીર અને ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવે છે. હજી પણ લોકોની આંખ ઉઘડતી નથી. આવી જ એક ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં કે જ્યાં કોરોનાગ્રસ્ત પિતાને પુત્ર હોસ્પિટલમાંથી બારોબાર ઘરે લઈ જતા નોડલ ઓફિસરને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવવી પડી છે.
રાજસ્થાનના દર્દીનું અમદાવાદમાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 26મી સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના છીંચ ગામના મૂળ રહેવાસી રણછોડભાઈ પરબેતંગ ચૌહાણ કોરોનાની સારવાર માટે અમદાવાદના નવરંગપુરાની સુશ્રુષા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેના બાદ સોમવારે સવારે રણછોડભાઈનું મોત થયું હતું. આથી હોસ્પિટલે કોર્પોરેશનને નિયમ મુજબ કોરોનાથી મોતની જાણ કરી હતી. મૃતદેહને અંતિમક્રિયા માટે વીએસ હોસ્પિટલમાં લઈ જવા પરિવારને જાણ કરી હતી. પરંતુ મૃતદેહ હોસ્પિટલમાંથી અચાનક ગાયબ થઈ ગયો હતો. તપાસ કરતા માલૂમ પડ્યું કે, રણછોડભાઈનો પરિવાર વીએસ હોસ્પિટલમાં મૃતદેહ લઈ જવાને બદલે તેને લઈને ગાયબ થઈ ગયો હતો. પરિવાર રણછોડભાઈના મૃતદેહને ક્યારે લઈને ત્યાંથી રવાના થયો તે માલૂમ ન પડી. જોકે ઘટનાને પગલે કોર્પોરેશન અને પોલીસની ચિંતા વધી ગઈ હતી, અને સાથે દોડધામ પણ.
પાર્કિંગમાં ડેડબોડી એમ્બ્યુલન્સમાંથી ઉતારી લીધી
સુશ્રુષા હોસ્પિટલના નોડલ ઓફિસર પૂર્વાન પટેલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી. તેઓએ ફરિયાદમાં જણાવ્યું કે, દર્દીના સગા અન્ય લોકોની રાહ જોતા હોવાથી સમય લાગે તેમ હતો. આથી કોર્પોરેશનમાં ફોન કરી મેં સમય માંગ્યો હતો. તે પછી ફરી અંતિમક્રિયા માટે મેં કોર્પોરેશનના અધિકારીને ફોન કરી સમય માંગતા તેઓએ ડેડબોડી મોકલી દો તેમ જણાવ્યું હતું. આ દરમિયાન દર્દીના સગા આવી જતા હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર સાથે મૃતદેહને વીએસ સ્મશાનગૃહ મોકલતા ડ્રાઈવર અમિત વીએસ સ્મશાનગૃહના પાર્કિંગમાં ડેડબોડી ઉતારી બીજા દર્દીને લેવા નીકળી ગયો હતો. જે બાદ મેં કોર્પોરેશનના અધીકારીને ફોન કરતા તેઓએ ડેડબોડી અમારી પાસે આવી નથી તેમ જણાવ્યું હતું.
નોડલ ઓફિસરે ફરિયાદ નોંધાવી
ડેડ બોડી અંગે નોડલ ઓફિસર પૂર્વાન પટેલે આ અંગે ડ્રાઈવર અમિતને પૂછતાં તેને જણાવેલ સ્મશાનગૃહમાં દર્દીના સગા બીજી ટવેરા કાર એમ્બ્યુલન્સ લઈને આવેલા જેમાં તેમનો પુત્ર મહેન્દ્ર, એક મહિલા અને બીજા બે અજાણ્યા એમ 4 લોકો લઈને ફરાર થઈ ગયા છે. આ અંગે નોડલ ઓફિસરે મૃતકના પુત્ર મહેન્દ્રને ફોન કરતા ફોન બંધ આવતો હતો. આખરે બનાવની જાણ પોલીસ કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં મરણ ગયેલ વ્યક્તિથી બીજાને ચેપ લાગતો હોવાનું જાણવા છતાં પણ સંક્રમણ ફેલાય અને બીજાની જિંદગી ભયમાં મુકાય તેવું કૃત્ય રાજસ્થાનના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. એલિસબ્રિજ પોલીસે સુશ્રુષા હોસ્પિટલના નોડલ ઓફિસર પૂર્વાન પટેલની ફરિયાદ આધારે મહેન્દ્ર ચૌહાણ સહિતના લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.