Rajkot: રાજવી પરિવારની રૂ.1500 કરોડની મિલ્કત અંગે ભાઈ-બહેન વચ્ચે કાનૂની જંગ, 31 ઓગષ્ટના કોર્ટમાં થશે સુનાવણી
રાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ મિલ્કતમાંથી રાજમાતા અને બહેનનો હક્ક કઢાવી નાંખતા કોર્ટમાં થઈ વાંધા અરજી. સ્વ.મનોહરસિંહ જાડેજા (દાદા)ની વસિયત શંકાસ્પદ ગણાવી કોર્ટમાં બહેન અંબાલિકાદેવીએ દાદ માંગી.
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટનું રાજવી પરિવારમાં ફરી એક વખત મિલ્કતનો વિવાદ ઉઠ્યો છે. 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ રાજવી પરિવારની વડીલો પાર્જીત મિલ્કતમાં વારસાઈ નોંધ કરાવી બહેન રાજકુમારી અંબાલિકાદેવી અને રાજમાતાનો હક્ક કઢાવી નાખતા સેસન્સ કોર્ટમાં અરજી થઈ છે. જેનું આગામી 31 ઓગષ્ટના હિયરિંગ થવાનું છે.
રાજકોટના રાજવી પરિવારના મિલ્કતનો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. માધાપર અને સરધારની રૂ.1500 કરોડની મિલ્કત અંગે રાજવી પરિવારમાં કાનૂની જંગ શરૂ થઈ છે.રાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ મિલ્કતમાંથી રાજમાતા અને બહેનનો હક્ક કઢાવી નાંખતા કોર્ટમાં વાંધા અરજી થઈ છે. ઝાંસીમાં રહેતા રાજકુમારી અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બૂંદેલાએ સ્વ.મનોહરસિંહ જાડેજા(દાદા)ની વસિયત શંકાસ્પદ ગણાવી કોર્ટમાં દાદ માંગી છે. તેમાં તેમણે કહ્યું છે કે, વડીલો પાર્જીત મિલ્કતોમાં વિલ ન બની શકે તેવો કોર્ટમાં તર્ક રજૂ કર્યો છે. જોકે આ પહેલા રાજકોટ શહેર 1 પ્રાંત અધિકારીએ રાજવી માંધાતાસિંહ જાડેજાને મિલ્કત અંગે લપડાક મારી છે અને રાજકુમારી અંબાલિકાદેવી તરફે ચુકાદો આપ્યો છે. તેમાં પણ આખરી ચુકાદો કોર્ટનો માન્ય રહેશે તેવી નોંધ કરી છે. આગામી 31 ઓગષ્ટના રાજકોટની સેસન્સ કોર્ટમાં આ કેસ અંગે હિયરિંગ થશે.
આ પણ વાંચોઃ Rajkot: સાતમ-આઠમના તહેવાર પહેલા લોકોને ઝટકો, ફરી વધ્યા સિંગતેલના ભાવ
કેવી રીતે સર્જાયો મિલ્કતનો વિવાદ ?
વર્ષ 2020ના પ્રારંભે રાજકોટના 17માં ઠાકોર તરીકે માંધાતાસિંહ જાડેજાની તિલકવિધી થઈ. તે વખતે બહેન અંબાલિકાદેવીના એક પુત્ર સાથે અપમાનજનક વર્તાવ થયો અને એ પછી સમગ્ર વિવાદ ઉભો થયો તેવું કહેવાય છે. રાજકુમારી અંબાલિકાદેવીએ એક વાંધા અરજીમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, પુત્રએ એ અપમાનની વાત કરતા પોતાને ભાઈના વર્તન વિશે શંકા ગઈ હતી. જેથી તેને રિલીઝ ડિડ સહિતના કાગળો પોતાના સોર્સ મારફતે મંગાવી અને વાંચ્યા હતા. જેમાં વારસાઈ મિલ્કતોમાંથી હક્ક રિલીઝ કરાવાતું ડિડ માંધાતાસિંહે ખોટી રીતે કરવી લીધું હોવાનું માલુમ પડ્યું હતું!.
વડીલોપાર્જીત મિલ્કતનું વિલ કરવાનો નથી અધિકાર !
કોઈ પણ વ્યક્તિને સ્વપાર્જીત મિલ્કતોનું વિલ કરવાનો હક્ક છે. પરંતુ વડિલોપાર્જીત મિલ્કતોમાં તમામ વારસોનો સમાન હક્ક લાગે છે. જેથી પૂર્વજોની મિલ્કતોનું વિલ કરવાનો હક્ક સ્વ. મનોહરસિંહ જાડેજા(દાદા)ને પણ નથી એ મતલબની દલીલ સાથે એ વસિયતને જ પડકારીને પેલેસ રોડ પર આવેલ રાજમહેલના રાચરચિલા, વિન્ટેજ કાર, ચાંદીના રથ, હથિયારો, આભૂષણો, ગાદલા-ગોદળા સહિતની વસ્તુમાં હિસ્સો માંગવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad માં 3થી 11 સપ્ટેમ્બર દરમિયાન કતલખાના રહેશે બંધ, પર્યુષણને ધ્યાનમાં રાખી મનપાનો નિર્ણય
રાજવીની આ 700 એકર પણ છે વિવાદમાં
રાજકોટના માધાપર વિડી તરીકે ઓળખાતી 700 એકર થી વધુ જમીનનો એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એક્ટ હેઠળ કેસ ચાલતો હતો. જેમાં ભૂતપૂર્વ અધિકારીએ ખોટી રીતે કે વધુ પડતા યુનિટ ગણીને મળવાપાત્ર કરતા વધારે જમીન રાજવી પરિવારના નામે આપ્યાની શંકા જતા એ હુકમ સામે સરકાર પક્ષે અપીલ દાખલ કરાવી છે. આ કેસ હજુ રાજકોટ શહેર 1 પ્રાંત અધિકારી સમક્ષ પેન્ડિંગ છે અને કેટલી જમીન ફાળવાય છે એ સમય જતાં સ્પષ્ટ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube