10 વર્ષે પ્રેમમાં મળ્યો દગો, યુવકે ચાલતી બસમાં ગળું કાપીને વ્હાલું કર્યું મોત, મુસાફરોને ખબર જ ના પડી
રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી પાસે ખાનગી બસમાંથી મળેલી યુવકની લાશને લઈને પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવક જામનગરના ભોજાબેડી ગામનો વતની અને વર્ષોથી સુરત સ્થાયી થયેલો પ્રવીણ રૂપાભાઇ વાઘેલા હોવાનું સામે આવ્યું હતું.
ગૌરવ દવે/રાજકોટ રાજકોટમાં સોમવારે સવારે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચેલી ખાનગી બસના સ્લિપર કોચમાંથી યુવકનું ગળું કપાયેલી લાશ મળી હતી. જેમાં પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. સુરતથી બેઠેલા જામનગરના ભોજાબેડીના યુવકની હત્યા થયાનો પોલીસે ગુનો નોંધ્યો હતો. પરંતુ હત્યા થયા અંગેના કોઇ પુરાવા મળ્યા નહોતા, તેમજ પ્રેમમાં નિષ્ફળતા મળતાં નાસીપાસ થઇ યુવકે આપઘાત કર્યાની શંકા સેવાઇ રહી છે અને પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી હતી.
રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી પાસે ખાનગી બસમાંથી મળેલી યુવકની લાશને લઈને પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવક જામનગરના ભોજાબેડી ગામનો વતની અને વર્ષોથી સુરત સ્થાયી થયેલો પ્રવીણ રૂપાભાઇ વાઘેલા હોવાનું સામે આવ્યું હતું. રવિવારે રાત્રે સુરતથી ન્યુ ક્રિષ્ના ટ્રાવેલ્સમાં બેઠો અને સવારે બસ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ત્યારે સ્લિપર કોચની કેબિનમાંથી પ્રવીણની ગળું કપાયેલી લાશ મળી હતી, પ્રવીણની લાશ જે સોફામાં હતી તે સોફા પરથી પોલીસને છરી પણ મળી હતી.
બનાવ અંગે પોલીસે પ્રવીણના ભાઇની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે બસમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં પ્રવીણની કેબિનમાં અન્ય કોઇ વ્યક્તિ ગઇ હોય તેવો એકપણ પુરાવો મળ્યો નહોતો. પોલીસ તપાસમાં મૃતકે પોતાની જાતે જ ગળા પર છરી ફેરવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
શા માટે કરી હતી આત્મહત્યા ?
ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મિણાએ કહ્યું હતું કે, પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે, પ્રવીણને દશેક વર્ષથી સુરતની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા અને ત્રણેક દિવસ પૂર્વે જ એ યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન થતાં પ્રવીણ નાસીપાસ થઇ ગયો હતો અને સુરતથી બસમાં બેઠા બાદ તેણે તેના એક ભાઇ સાથે ફોન પર આ અંગેની વાતચીત કરી હતી, પોલીસે આ બનાવમાં હત્યાનો તો ગુનો નોંધ્યો હતો.
પરંતુ બનાવ આત્મહત્યાનો હોવાની દઢ શંકા ઉઠતાં પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી અને પ્રવીણ જ્યાં રહેતો હતો ત્યાં અને તેન આસપાસના વિસ્તારો તેમજ યુવતી સાથેના સંબંધ અંગેની તપાસ કરવા પોલીસની એક ટીમ સુરત પહોંચી ગઈ હતી. હાલ પોલીસે મૃતક પ્રવીણની આત્મહત્યાને લઈને પ્રેમ પ્રકરણ જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube