Video શૂટ કરીને આજી ડેમમાં આપઘાત કરવા ગયેલો યુવક હોસ્પિટલમાં દાખલ થઈ ગયો, જાણો શું છે મામલો
Rajkot Aaji Dam: `બહુ થઈ ગયું હવે મારે આત્મહત્યા કરવી છે`, તીન પત્તી ગેમમાં હાર્યા બાદ યુવકે ડેમમાંથી વીડિયો શૂટ કરીને પિતાને મોકલ્યો હતો. પરંતુ હવે આ યુવક હેમખેમ સિવિલ હોસ્પિટલમાંથી મળી આવ્યો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Rajkot Aaji Dam: ગઈ કાલે આજીડેમ સામેથી આપઘાત કરવા જઈ રહ્યો હોવાનો એક યુવકે વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો અને વહીવટીતંત્ર અને યુવકના પરિવારના હોશ ઉડી ગયા હતા. આ યુવક હવે હેમખેમ મળી આવતા રાહત અનુભવાઈ છે. યુવક ઓનલાઈન ગેમ રમવામાં રૂપિયા ગુમાવતા પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો દ્વારા 12 કલાક સુધી આજી ડેમમાં આ યુવકની સતત શોધખોળ હાથ ધરાઈ હતી. જો કે આજે આ યુવક પોતાની જાતે જ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો જેથી કરીને બધાએ હાશકારો અનુભવ્યો છે.
શું હતો મામલો
ઓનલાઈન જુગારમાં અનેક યુવાનોના જીવન બરબાદ કર્યા બાદ હવે રાજકોટમાં આપઘાત કરવા જઈ રહ્યો હોવાનો વીડિયો બનાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તીન પત્તી ગેમમાં હાર્યા બાદ એક યુવકે આજી ડેમ પહોંચીને આત્મહત્યાનો વીડિયો બનાવ્યો અને પછી તેના પિતા સહિત અનેક લોકોને મોકલ્યો. ઓનલાઈન તીન પત્તી ગેમમાં 1 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ એક યુવકે તેના પિતાને આપઘાત કરી રહ્યો હોવાનો વીડિયો મોકલ્યો. વીડિયો અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ અને ડાઇવર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટીમોએ કલાકો સુધી શોધખોળ કરી હતી પરંતુ યુવકનો કોઈ અતોપત્તો મળ્યો નહતો. પિતાને મોકલવામાં આવેલા વીડિયોમાં પુત્રએ કહ્યું હતું કે તેણે તીન પત્તી ગેમમાં હારને કારણે આત્મહત્યા કરી છે. યુવકે વીડિયોમાં એ પણ જણાવ્યું છે કે તીન પત્તી ગેમ રમવાના કારણે તેની પર કોનું અને કેટલું દેવું થયું છે. યુવકના આપઘાત કરવા અંગેનો વીડિયો મોકલતા પરિવાર હાફળો ફાફળો થઈ ગયો હતો.
ડેમ પર વિડિયો શૂટ
બનાવની વિગત એવી છે કે શહેરના કોઠારીયા રોડ રાધેશ્યામ સોસાયટી કાવી કલાપી ટાઉનશીપમાં રહેતા શુભમ મનોજભાઈ બગથરીયા (21)એ 29મી જૂનના રોજ સાંજે પોતાના મોબાઈલમાં વિડીયો વાયરલ કરી તેના પિતાને મોકલી આપ્યો હતો. પુત્રના આપઘાતની જાણ થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. આખો પરિવાર આજી ડેમ પહોંચ્યો હતો. શુભમનું હોન્ડા ત્યાં જ પડેલું હતું. ફાયર બ્રિગેડ અને ડાઈવર્સે ઘણી શોધખોળ કરી પરંતુ શુભમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. 30 જૂને પણ ફાયર બ્રિગેડની ટીમે આજી ડેમમાંથી પાણી કાઢ્યું હતું પરંતુ શુભમ મળ્યો ન હતો. યુવક એક જગ્યાએ એકાઉન્ટન્ટ તરીકે નોકરી પણ કરતો હતો.
વીડિયોમાં શુભમ કહે છે કે 'મેં મહેનત કરી છે, મેં એટલું પાપ કર્યું છે કે હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી, હું નદી પર છું, હું નદીમાં કૂદું છું, હું મારો જીવ આપી રહ્યો છું, કોઈનો કોઈ દોષ નથી. કારણ એ છે કે હું જીવનથી કંટાળી ગયો છું, હવે હું આત્મહત્યા કરવા માંગુ છું, પપ્પા, મમ્મી હું તમને પ્રેમ કરું છું, મજબૂત રહો અને જો તમે કરી શકો તો મને માફ કરો, મારા વિના જીવવાની કોશિશ કરો, કૃપા કરીને મારી કાર વેચી દો, જે આજી નદી પાસે પડી છે અને મારું બાકીનું દેવું ચૂકવી દેજો...'
શુભમે એક લાખ રૂપિયા ગુમાવ્યા હતા
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે શુભમ બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓનલાઈન જુગાર રમવાની લતમાં આવી ગયો હતો. જેમાં અંદાજે એક લાખ રૂપિયા હારી જતાં તેણે શેઠ હર્ષભાઈ પાસેથી રૂપિયા 30 હજાર, અશ્વિનભાઈ પાસેથી રૂપિયા 20 હજાર અને અન્ય જગ્યાએથી રૂપિયા 15 હજાર ઉછીના લીધા હતા.જુગારમાં રૂપિયા હારી જતાં યુવક પરેશાન થઈ ગયો હતો. યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે તે જુગાર અને અન્ય કારણોસર જીવ કંટાળી ગયો છે, તેથી આ પગલું ભર્યું છે. મમ્મી પપ્પા હું તમને પ્રેમ કરું છું હસતા રહો અને જો શક્ય હોય તો કૃપા કરીને મને માફ કરો અને મારા વિના જીવવાનો પ્રયાસ કરો.