ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટવાસીઓ માટે AIIMSને લઈને આજે એક ખુશખબર મળી રહ્યા છે. રાજકોટમાં AIIMS હોસ્પિટલની OPD સેવા ડિસેમ્બર મહિનાના અંતમાં શરૂ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ AIIMSની કામગીરીનું નિરીક્ષણ કરવાની સૂચના આપી છે. જેના કારણે નવી AIIMS ખાતે પહોંચેલા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મુલાકાત લીધી હતી. બીજી તરફ AIIMS હોસ્પિટલના ડિરેકટરે રસ્તા, પાણી અને વીજળીની સમસ્યા હોવાનું જણાવ્યું. પ્રાથમિક સુવિધા ઝડપથી મળે અને શ્રમિકોની સંખ્યા વધે  તો ઝડપથી કામ પૂર્ણ થાય તેવી રજૂઆત AIIMSના ડિરેકટરે કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવીએ કે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટરે રાજકોટની ભગોળે પરાપીપળીયા પાસે નિર્માણ પામતી AIIMS હોસ્પિટલમાં આગામી 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરી દેવાની લીલીઝંડી આપી દીધી છે અને જણાવ્યું છે કે કામ અધુરૂ હશે તો પણ દર્દીઓને સારવારની સુવિધા આપવામાં આવશે.  તેમણે ઉમેર્યું હતું કે આગામી એક-બે મહિનામાં કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.


રાજકોટ એઇમ્સના ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે,  AIIMS હોસ્પિટલમાં આગામી 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરી દેવામાં આવશે. તા.15 ડિસેમ્બરે બિલ્ડિંગની સોંપણી કરાશે. જેના આગલા દિવસથી જ ઓપીડીના લોકોને બોલાવવામાં આવશે અને 31 ડિસેમ્બરે શરૂ થનાર ઓપીડીની તૈયારીઓ કરી દેવામાં આવશે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ AIIMSની કામગીરીનું નિરીક્ષણ કરવાની સૂચનાના પગલે આજે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ બાંધકામ સાઇટની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટમાં AIIMSનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હાલ એઇમ્સમાં મિલીટરીના ધોરણે કામગીરી ચાલી રહી છે. 


તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સ્વપ્નને સાકાર કરવા અને આરોગ્ય માટેની સગવડો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે જાહેરાત કરી હતી તેને સાકાર કરવામાં આવશે.