Rajkot: સાતમ-આઠમના તહેવાર પહેલા લોકોને ઝટકો, ફરી વધ્યા સિંગતેલના ભાવ
રાજ્યમાં શ્રાવણ મહિનો અને તહેવારોની સીઝન ચાલી રહી છે. સાતમ-આઠમ નજીક આવતા ફરી સિંગતેલના ભાવમાં મોટો વધારો થયો છે.
રાજકોટઃ બસ હવે સાતમ-આઠમના તહેવારમાં ગણતરીના દિવસો બાકી છે. પરંતુ આ તહેવાર પહેલા ગૃહિણીઓને ઝટકો લાગ્યો છે. ફરી વાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. એક તરફ લોકો પેટ્રોલ-ડીઝલ સહિત અન્ય વસ્તુના ભાવ વધારાથી પરેશાન છે, હવે તેલના ભાવમાં વધારો થતાં લોકોનો તહેવાર બગડી શકે છે. રાજકોટની વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો થયો છે.
ફરી વધ્યા સિંગતેલના ભાવ
મોંઘવારીથી પરેશાન પ્રજાને હવે તહેવાર પણ મોંઘો પડવાનો છે. સાતમ-આઠમના તહેવાર દરમિયાન લોકોના ઘરે તળેલી વસ્તુઓ વધારે બનતી હોય છે. પરંતુ હવે તેલના ભાવ વધતા આ તળેલી વસ્તુઓ મોંઘી પડશે. વેપારીઓનું કહેવું છે કે મગફળીની ઓછી આવકને કારણે સિંગલેતના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલ તહેવાર નજીક આવતા લોકો સિંગતેલની ખરીદી પણ કરી રહ્યાં છે, તેથી પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી પડશે નહીંઃ નીતિન પટેલે લોકોને આપી ખાતરી
આગામી મહિને ફરી થઈ શકે છે વધારો
રાજકોટમાં ખાદ્ય તેલનો વેપાર કરતા ભાવેશભાઈ પોપટે કહ્યુ કે, હાલમાં મગફળીની આવક ઓછી છે. તો લોકો હાલના સમયમાં સિંગતેલની ખરીદી પણ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આગામી મહિને સિંગલેતના ભાવમાં પ્રતિ ડબ્બાએ 100 રૂપિયાનો વધારો થઈ શકે છે. વેપારીએ કહ્યું કે, હાલ યાર્ડમાં મગફળીની આવક પ્રાપ્ત થઈ રહી નથી. મગફળીનો જથ્થો નાફેડ પાસે જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube