દિવ્યેશ જોશી/રાજકોટ: આજે હનુમાન જયંતિ છે. ત્યારે પર વાત કરીએ રાજકોટના એક બજરંગીભાઈ જાન મુસ્લિમ પોલીસ કર્મીની જે છે હનુમાનજીના ભક્ત.. અંદાજે 20 વર્ષથી આ વ્યક્તિ તેના ગ્રુપ સાથે હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે. આ મુસ્લિમ પોલીસ કર્મીનું નામ છે શબીર મલીક. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં શબિરભાઈ મલિક ફરજ બજાવે છે. શબીરભાઈને નાનપણથી જ હનુમાનજી પર આસ્થા રહેલી છે. તેઓએ તેના ગ્રુપ સાથે મળીને પોલીસ હેડક્વાર્ટરમાં હનુમાનજીનું મંદિર પણ બનાવ્યું છે. જેમાં હિન્દુ મુસ્લિમ સૌ સાથે મળીને હનુમાન દાદાની આરતી, પૂજા, અર્ચના કરે છે. તેમના ગ્રુપનું નામ બાલાજી મિત્ર મંડળ લાઇનબોય યુવા ગ્રુપ છે. આ ગ્રુપમાં 50થી વધુ હિન્દુ-મુસ્લિમ સભ્યો છે


એક તરફ જ્યારે અલગ અલગ શહેરોમાંથી પથ્થરમારાના બનાવો સામે આવે છે ત્યારે શબીરભાઈ અને તેનું ગ્રુપ કોમી એકતા અને ભાઇચારાનો અનોખો સંદેશો આપે છે. કોઈ પણ તહેવાર હોય હિન્દુ-મુસ્લિમનો ભેદભાવ ભૂલીને તેઓ સાથે મળીને તહેવાર ઉજવે છે. આજે હનુમાન જયંતીની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી રહી છે. 


સવારે 8 વાગ્યાથી મારૂતિ યજ્ઞની શરૂઆત થઈ છે. બાદમાં બપોરે 12 વાગ્યે બીડુ હોમવામાં આવશે, સાંજે 7 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સાંજે 7-30 કલાકથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ ગ્રહણ કરશે