Rajkot: ચીલઝડપ કરતી ગેંગનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા, એકલી નીકળતી મહિલાઓને બનાવતા હતા નિશાન
પોલીસે જ્યારે આ બન્ને શખ્સને ઝડપ્યા તો તેમની પાસેથી સોનાની ચેઈન, સોનાના અન્ય ઘરેણાં, સ્પ્લેન્ડર બાઈક અને બે ફોન મળી આવ્યા...આ તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
દિવ્યેશ જોશી, રાજકોટઃ રાજકોટઃ ક્રાઈમ અને રાજકોટને એકબીજાના પર્યાઈ કહીએ તો જરા પણ ખોટું નથી. કારણ કે સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા આ શહેરમાં રોજ હત્યા, મારામારી અને લૂંટ જેવી ઘટનાઓ બને છે. શહેરમાં ચીલઝડપ કરી આતંક મચાવનારી એક ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. અનેક લોકોને નિશાન બનાવી તેમની પાસે લાખોનું લૂંટ કરનારી આ ગેંગને પોલીસે આગવી ઢબે ઝડપી સળિયા પાછલ ધકેલી દીધી છે. ત્યારે કોણ છે આ ચીલઝડપ કરનારી ગેંગ?...કેટલા ગુનાઓને તેમણે આપ્યો છે અંજામ?...કેવી રીતે આ ગેંગ પોલીસે દબોચી?...જુઓ આ અહેવાલમાં..
રાજકોટના શિતલ પાર્ક ચોકથી બજરંગવાડી વિસ્તારમાં થોડા સમય પહેલા એક ચીલઝડપની ઘટના બની હતી. આ ઘટનાને કારણે પોલીસ તપાસમાં લાગેલી હતી. ત્યાં પોલીસને કાળા કલરના નંબર પ્લેટ વગરના બાઈક સાથે એક શંકાસ્પદ શખ્સ જોવા મળ્યો. પોલીસે વોચ ગોઠવી અને ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ પાસે આવેલી પ્રેસ કોલોની નજીકથી આ શખ્સની સાથે તેના અન્ય સાગરીતને પણ દબોચી લીધો. બન્નેના નામ આસીફ ખેરાણી અને ગોવિંદ ધામેચા હોવાનું સામે આવ્યું. જ્યારે વધુ પુછપરછ કરી તો બન્નેએ 13 જેટલી ચીલઝડપ કરી હોવાની કબૂલાત કરી અને તેમની પાસેથી 6 લાખ 10 હજારનો મુદ્દામાલ મળી આવ્યો છે.
આ પણ વાંચોઃ પતિની નશાની ટેવથી કંટાળી પત્નીએ લગ્નના ચાર મહિનામાં જ કરી લીધો આપઘાત
બન્ને આરોપીને ઝડપી પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે શિતલ પાર્ક વિસ્તારમાં જે ચીલઝડપ થઈ હતી તે આ બન્ને આરોપીએ જ કરી હતી. તો આઠ મહિના પહેલા પણ બજરંગવાડી સંસ્કારધામ સ્કૂલ નજીકથી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ થઈ હતી. આ ઘટનામાં પણ આરોપી બન્ને જ હતા. આ સિવાય મોચી નગર, સાધુવાસવાની રોડ, ભોમેશ્વર, શીતલ પાર્ક, રેલ નગર સહિતના વિસ્તારમાંથી કુલ 13 જેટલી ચીલઝડપને અંજામ આપવામાં આવ્યો હતો અને આ તમામ ઘટનામાં આસીફ ખેરાણી અને ગોવિંદ ધામેચા નામના જ આરોપી સંડોવાયેલા હતા. બન્ને આરોપી ઘટનાને અંજામ આપતા પહેલા વિસ્તારની રેકી કરતા હતા અને જ્યાં અંધારુ અને અવાવરુ જગ્યા હોય તેને પસંદ કરતા હતા.
આરોપી આસિફ પહેલા મચ્છીનો વેપાર કરતો હતો. પરંતુ ધંધામાં નુકસાની જતા ગુનાખોરીના રવાડે ચડ્યો હતો. તો બીજો આરોપી જે ચીલઝડપમાં જે પણ સોનું કે ઘરેણાં મળે તેને ઓગાળી વેચી મારતો હતો. ત્યારે પોલીસે આ બન્ને આરોપીને ઝડપી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે. ત્યારે આગળ જોવાનું રહ્યું કે આરોપીઓની પૂછપરછમાં શું નવા ખુલાસા થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube