આ ડરામણું છે પણ સત્ય છે... 3 કોરોના દર્દીઓેએ રાજકોટની સિવિલ હોસ્પિટલના લોબીમાં જ દમ તોડ્યો
- ગઈકાલે બુધવારે રાજકોટ સ્મશાનમાં અને કબ્રસ્તાનમાં થયેલી અંતિમ વિધિના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં કુલ 53 અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર અને ગાયનેક સેન્ટરને શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. બંને વિભાગો રેલવે હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે શિફ્ટ કરવામાં આવી રહ્યો છે
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિથી શહેરો અને ગામડાઓમાં હાલત ખરાબ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં એટલી હદે કોરોના વકરી રહ્યો છે કે, સ્મશાનમાં મૃતદેહ (corona death) ના અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. શહેરોની હોસ્પિટલોમાં કોરોનાથી મૃત્યું પામનારનો મૃતદેહ મેળવવા માટે પણ સ્વજનોને 12 કલાક સુધી રાહ જોવી પડે છે. એટલું જ નહિ, પણ સ્મશાનમાં અગ્નિદાહ માટે 8થી 10 કલાક વેઈટિંગમાં રહેવું પડે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના સતત મૃત્યુ થઈ રહ્યા છે. પણ સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. સ્મશાનમાં વેઈટિંગ હોવાથી હૉસ્પિટલના સેલર, લોબીમાં મૃતદેહો રાખવાની ફરજ પડી છે. બીજી તરફ સ્મશાનમાં વધુ ભીડ ન થાય તે માટે હોસ્પિટલમાં ડેડબોડી રાખવામાં આવે છે.
આ પણ વાંચો : બકરીના પેટમાંથી માણસ અવતર્યો, આખુ શરીર માણસ જેવું, જન્મતા સમયે બાળકની જેમ રડ્યું...
ગઈકાલે કુલ 53 અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરાઈ
રાજકોટમાં કોરોનાના કેસો (gujarat corona update) એ લોકોને ચિંતામાં મૂકી દીધા છે. એક તરફ દિન પ્રતિદિન કેસ વધી રહ્યા છે, ત્યાં બીજી તરફ તંત્રના મોતના આંકડા અને વાસ્તવિક આંકડામાં જમીન આસમાનનો ફરક આવી રહ્યો છે. જે આંકડાઓ સામે આવે છે તેનાથી પણ વધુ ગંભીર છે સાચા આંકડા. કેમ કે, ગઈકાલે બુધવારે રાજકોટ (rajkot) સ્મશાનમાં અને કબ્રસ્તાનમાં થયેલી અંતિમ વિધિના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં કુલ 53 અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી. બાપુનગર સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 18, મોટા મોવા સ્મશાનમાં 12, મવડી સ્મશાનમાં 11 અને રામનાથપરા સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 9 અંતિમવિધિ કરવામાં આવી છે. જ્યારે કે, કબ્રસ્તાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 3 અંતિમવિધિ કરવામાં આવી. છે. આમ, ગઈકાલે એક જ દિવસમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ કુલ 53 મૃતદેહોની અંતિમ વિધિ કરાઈ હતી. પણ તંત્રના ચોપડે માત્ર 24 જ મોત બતાવવમાં આવ્યા છે. એટલે સાચા આંકડા કરતાં અડધાથી પણ ઓછા આંકડા તંત્ર આપી રહ્યું છે. જો મોતના આંકડામાં આટલો મોટો તફાવત છે તો વિચારો કેસના આંકડામાં કેટલો તફાવત હશે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી રૂપાણીના દીકરાના ફેક ન્યૂઝ વાયરલ થતા જ આપવો પડ્યો મોટો ખુલાસો
મોતના વાસ્તવિક આંકડાઓ છુપાવતું તંત્ર
રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ હોસ્પિટલની ગંભીર સ્થિતિ બની છે. રાજકોટમાં રેકોર્ડ બ્રેક મોત થઈ રહ્યાં છે. 24 કલાકમાં 31ના મોત નોંધાયા છે. ત્યારે ડેથ ઓડિટ કમિટિ મોતના આંકડાનો અંતિમ નિર્ણય લેશે. ગઈકાલે ત્રણ કોરોના દર્દીના લોબીમાં જ મોત થયા હતા. ઓક્સિજન પણ દર્દીઓને આપવામાં તંત્ર ઉણુ ઉતર્યું હતું. હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીઓને વોર્ડમાં એ.સી બંધ હોવાથી હાલાકી પડી રહી છે.
વધારાના બેડ ઉભા કરવા વ્યવસ્થા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર અને ગાયનેક સેન્ટરને શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. બંને વિભાગો રેલવે હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. કોરોના દર્દીઓ માટે વધારાના બેડની વ્યવસ્થા કરવા તડામાર તૈયારી ચાલી રહી છે. કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની છે.
આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લામાં ખૂટી પડ્યો કોરોના વેક્સીનનો જથ્થો
નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
તો બીજી તરફ, રાજકોટ કોરોના કેસો વધતા ડોક્ટર, નર્સિંગ સ્ટાફની આછત થઈ ઉભી છે. રાજકોટ કલેક્ટર દ્વારા ભરતી કરવા આદેશ કરાયા છે. રાજકોટમાં 30 મેડિકલ ઓફિસર, 50 નર્સિંગ સ્ટાફ અને 50 ફિમેલ હેલ્થ વર્કરની ભરતી કરવા આદેશ કરાયો છે. તો સાથે જ કોવિડ કેર સેન્ટરોને પણ મંજૂરી આપી છે. 8 ખાનગી સંસ્થાઓને કોવિડ કેર સેન્ટર શરૂ કરવા મંજૂરી અપાઈ છે. આમ, રાજકોટ શહેર આસપાસના વિસ્તારોમાં 5 કોવિડ કેર સેન્ટર બનશે.. જેમાં જસદણ, જેતપુર, કુવાડવામાં કોવિડ કેર સેન્ટર બનાવાશે.