રાજકોટ સામુહિક આપઘાત : આગમાં લપેટાયેલા માતા અને બે પુત્રોની ચીસોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો
- રાજકોટમાં સામુહિક આપઘાત, જનેતાએ બે માસૂમ પુત્રોને પણ સાથે સળગાવી કર્યો આપઘાત....
- ગૃહકલેશને કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ...
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના નાકરાવાડી ગામે પરિણીતાએ પોતાના બે પુત્રો સાથે અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે. ત્રણ જણના સામૂહિક આપઘાતની ઘટના એટલી ભયાનક હતી કે સમગ્ર ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ છે. કુવાડવા પોલીસ અને DCP સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં ગૃહકંકાશને કારણે મહિલાએ આ અંતિમ પગલું ભર્યું હતું. મૃતક મહિલાનાં પતિ-સાસુની પોલીસે પૂછપરછ કરી છે.
બે બાળકોની ચીસોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો
રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. નાકરાવાડી ગામમાં રહેતા અને સોની બજારમાં ધૂળ સફાઈ કરીને ગુજરાન ચલાવતા વિજયભાઈ ડેડાણીયાની 24 વર્ષીય પત્ની દયાબેન ડેડાણિયાએ બે પુત્રની સાથે આજે સવારે 8 વાગ્યે અગ્નિસ્નાન કર્યું હતું. જેમાં 7 વર્ષના મોહિત અને 4 વર્ષના ધવલ નામના સંતાનોના પણ મોત નિપજ્યા હતા. સવારના પહોરમાં મહિલા અને તેનાં બે બાળકની ચીસોથી આસપાસના વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. પોલીસે આ ઘટના અંગે મૃતક મહિલાના પતિ વિજય ડેડાણિયાની પૂછપરછ કરી હતી. જોકે પૂછપરછમાં વિજયે પોલીસને નિવેદન આપ્યું હતું કે, મારે ક્યારેય મારી પત્ની સાથે બોલાચાલી થઈ નથી. હા, એકવાર મારી માતાને બોલાચાલી થઈ હતી, પરંતુ તેમને બિલકુલ કલ્પના નહોતી કે તેમની પત્ની કોઈપણ સંજોગોમાં આવી રીતે તેમનાં બે નાનાં બાળક સાથે અગનપછેડી ઓઢીને મોતને વહાલું કરી દેશે. આજે સવારે પત્નીએ ચા બનાવી આપી અમે ચા પી હજુ ઘરની બહાર નીકળો હતો. ગામમાં દુકાને બેઠો હતો ત્યારે ભત્રીજો આવ્યો અને પત્ની દયાએ બાળકો સાથે આગ લગાડી લીધી હોવાનું કહેતા દોડી ઘરે પહોંચ્યો હતો. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘરનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો
દયાબેને ઘરનું બારણું અંદરથી બંધ કરીને પોતાને તથા બાળકોને આગ લગાડ્યાનું અનુમાન છે. આમ થતાં જ મહિલા અને બાળકો ઘરની અંદર જીવતાં ભૂંજાવા લાગ્યાં હતાં. પ્રચંડ આગને કારણે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ઘરમાંથી આગના ધુમાડાના ગોટેગોટા બહાર ફેલાઈ ગયા હતા. આગને કારણે ઘરમાંની ઈલેક્ટ્રિકની ચીજવસ્તુઓ, અનાજ, જરૂરી કાગળો પણ બળીને ખાખ થઈ ગયા હતા.
એસીપી એસ.આર. ટંડેલે જણાવ્યું હતું કે, સામુહિક આપઘાતની ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી. પતિ-પત્ની વચ્ચે કોઈ જ પ્રકારની માથાકૂટ થઈ હોય તેવું સામે આવ્યું નથી. સાસુ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી, જેને કારણે આ પગલું ભર્યું છે કે અન્ય કોઈ કારણ તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર કેસમાં FSL ની મદદ લેવામાં આવી છે. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે. મૃતક દયાબેનના પિયરમાંથી કોઈ ફરિયાદ કરવા આવશે તો ફરિયાદ લઈને તપાસ કરવામાં આવશે.
માતાએ પોતાના બે સંતાનો સાથે અગ્નિ સ્નાન કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે ઘરમાંથી કેરોસીનનું કેન કબ્જે કર્યું છે. પ્રાથમિક તપાસમાં કેરોસીન જેવા જ્વલંતશીલ પ્રવાહી છાંટી બાળકોને આગ ચાંપી દીધા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે FSLની મદદ લઇ તપાસ શરૂ કરી છે.