રાજકોટ ડેરીએ દૂધના ખરીદભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો, લાખો પશુપાલકોને થશે લાભ
ચોમાસામાં વરસાદ ખેંચાતા આર્થિક ભીંસમાં રહેલા પશુપાલકોને મદદરૂપ થવા માટે રાજકોટ ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે.
રાજકોટઃ રાજ્યમાં વરસાદ ઓછો થવાને કારણે ખેડૂતો તથા પશુપાલકો ચિંતામાં છે. તેમને આર્થિક સમસ્યા પણ પડી રહી છે. પશુપાલકોની મદદ કરવા માટે રાજકોટ ડેરીએ તેમના હિતમાં દૂધના ખરીદભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધ સંઘ દ્વારા 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 11 સપ્ટેમ્બરથી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના 700 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો દૂધ મંડળીઓ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના 695 રૂપિયાની ચુકવણી કરશે.
પશુપાલકોને થશે ફાયદો
રાજ્યમાં ચોમાસાની સીઝન દરમિયાન વરસાદ ઓછો થવાને કારણે પશુપાલકો ચિંતામાં છે. તો કપાસિયા અને ખોળના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પશુપાલકોને રાજકોટ ડેરીએ થોડી રાહત આપી છે. ડેરી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે 20 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. ડેરીના આ નિર્ણયથી પશુપાલકોને આર્થિક સહયોગ મળશે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, નીતિન પટેલે કરી મોટી જાહેરાત
બે મહિનામાં ત્રીજીવાર આપ્યો ભાવવધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દૂધ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને હાલ સારો ભાવ મળી રહ્યો છે. દૂધ સંધ દ્વારા 1 એપ્રિલથી કિલો ફેટના 650 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ કપાસિયા અને ખોળનો ભાવ વધતા દૂધ સંઘે ફરી ભાવમાં વધારો કર્યો હતો. છેલ્લા 5 મહિનામાં દૂધ સંઘે દૂધ ઉત્પાદકોને 50 રૂપિયાનો ભાવ વધારો આપ્યો છે. આમ છેલ્લા 50 દિવસમાં ત્રીજીવાર ભાવ વધારો આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube