ગૌરવ દવે, રાજકોટ: રાજકોટ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વાવાઝોડા, કમોસમી માવઠા, ક્યાંક પાછોતરો વરસાદ...આ કારણોસર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચીના જેવા તૈયાર પાકને ખુબ નુકસાન થયું છે. ત્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત માટે મોટી જાહેરાતો કરી છે. આ અવસરે રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણીઓ પર હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વગર વ્યાજે લોન
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે. રાજકોટ જિલ્લા બેંક એ ખેડૂતોની બેંક છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. રાજકોટ જિલ્લા બેંક હંમેશા ખેડૂતોની સાથે રહી છે. ખેડૂતોને વરસાદને કારણે થયેલા નુકસાનને કારણે બેંકના બોર્ડે નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત સભાસદો માટે આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 1000 કરોડની લોન ખેડૂતોને 0 ટકા વ્યાજે 1 વર્ષ માટે આપવામાં આવશે. ખેડૂતોને 1 હેકટર દીઠ 10,000 રૂપિયા અને 5 હેકટર સુધી સહાય મળશે. વર્ષે 100 કરોડની બેંકને નુકસાની જશે, જે ખેડૂતોને રાહત આપીએ છીએ. બેક સાથે જોડાયેલા ખેડૂત સભાસદોને આ લોનનો લાભ મળશે. 2 લાખ ખેડૂતોને આ લાભ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે આના માટે કોઈ મોર્ગેજ કે અન્ય ડોક્યુમેન્ટ પ્રક્રિયા કરવાની રહેશે નહીં.



ખેડૂતોને ઊંચા વ્યાજે પૈસા ધિરાણ પર ન લેવાની પણ અપીલ
આ સાથે તેમણે ખેડૂતોને ઊંચા વ્યાજે પૈસા લેવા ન જાય તેવી અપીલ પણ કરી. તેમણે કહ્યું કે અમારી બેંક પાસે ખેડૂતો આવે અને સભાસદ બની લોનનો લાભ લે. એક ખેડૂત વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન લઇ શકશે. એક વર્ષમાં લોન પરત કરવાની રહેશે. ખેડૂતોએ કોઇ જ પ્રકારની જામીન આપવાની રહેશે નહીં. ખેડૂતોને ઝીરો ટકા લોન આપવાને કારણે બેંકને 100 કરોડ રૂપિયાનો બોજો પડશે.


બાપથી સવાયો દીકરો નીકળ્યો! 


જયેશ રાદડિયા એ સૌરાષ્ટ્રના પીઢ રાજકારણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનો દીકરો હોવાનું સાબિત કરી દીધું છે. પાર્ટીએ સાઈડલાઈન કર્યો તો એમને સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો દેખાડયો છે. પાટીલની ના ના છતાં ઈફ્કોમાં મેન્ડેટ વિરુદ્ધ થઈને ચૂંટણી જીતીને એ સાબિત કરી દીધું હતું કે તેઓ સહકારી નેતા છે. ઈફ્કો બાદ ક્રિભકોમાં પણ રાદડિયાની પેનલ વિજેતા બની છે. દેશની સૌથી મોટી 2 સહકારી એજન્સીઓમાં રાદડિયાનો દબદબો વધ્યો છે. હવે રાજકોટ સહકારી બેન્કથી એમને સૌરાષ્ટ્રના ખેડૂતોને સીધા ટાર્ગેટ કર્યા છે. ખેડૂતોને 1000 કરોડની ઝીરો ટકા વ્યાજે લોનની જાહેરાત કરી સરકાર માટે મૂંઝવણ ઉભી કરી દીધી છે. એ સૌરાષ્ટ્રના 2 લાખ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે એક વર્ષ માટે લોન આપશે. રાદડિયાએ એ સાબિત કરી દીધું છે કે તેઓ ખેડૂત નેતા છે. ખેડૂતો માટે બેન્ક 100 કરોડનું નુક્સાન ભોગવશે આમ છતાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નિર્ણય લઈને પોતાની રાજકીય અને સહકારી કેરિયરને એક નવી ઉંચાઈ આપી દીધી છે. રાદડિયા સૌરાષ્ટ્રમાં સૌથી મોટા સહકારી નેતા તરીકે ઉભરી રહ્યાં છે. આ માટે એમની પાછળ કોઈ મોટા નેતાનો દોરી સંચાર હોય તો પણ નવાઈ નહીં. એક બાદ એક સૌરાષ્ટ્રમાં રાદડિયા પાર્ટીને ઝટકા આપી રહ્યાં છે.