જયેશ ભોજાણી/રાજકોટ: જિલ્લાના લોધીકા ખાતે એક મહિલા કર્મચારી 6 માસના સંતાનને સાથે રાખીને રસીકરણની કામગીરી નિભાવી રહ્યા છે, સાથે સાથે રસી ન મુકનારને અનેકવાર સમજાવી રસી મુકવાથી શું ફાયદો થશે તેની વિસ્તૃત સમજણ પણ આપી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને ડામવા માટે મહિલા કર્મચારી પોતાની ઉત્તમ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટના આરોગ્ય કર્મચારી અસ્મિતાબેન કોલડીયાની ઉત્તમ કામગીરીની ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. પોતાના સંતાનને સાથે લઇને ગામે-ગામ કોરોના વિરોધી રસી મુકવા જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અસરકારકતા ઓછી કરવામાં ધરાતલના કર્મચારીઓનું મહત્તમ અને અતુલ્ય યોગદાન રહયું છે, તે રાજકોટના આરોગ્ય કર્મચારી અસ્મિતાબેન કોલડીયાએ ઉત્તમ રીતે સાબિત કરી બતાવ્યું છે. રાજયના નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરૂં પાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધીડા સબસેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડીયા કોરોના વિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલા છે, જેમને 6 માસની દીકરી છે. જેના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે. 



પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વગર જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં અસ્મિતાબેન પોતાના સંતાનને સાથે લઇને ગામે-ગામ કોરોના વિરોધી રસી મુકવા જાય છે. માત્ર છ જ માસના સંતાનની સુરક્ષાની તમામ સંભાળ લઇને અસ્મિતાબેન પોતાની કામગીરી બજાવે છે. 



અસ્મિતાબેન કોલડીયાએ જણાવ્યું હતું કે, હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવું છું.જેમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ તેના બાળકને લઇને યુદ્ધના મેદાનમાં ઉતર્યા હતા તેવી જ રીતે હું પણ મારી 6 માસની બાળકીને લઇને કોરોના સામેની લડતમાં નિષ્ઠાથી મારી ફરજ બજાવું છું અને આ કાર્યથી હું ખૂબ જ ખુશ છું.



લોધીકા ગામના એક વૃધ્ધા કોરોના વિરોધી રસી લેવા માટે સંમત જ નહોતા થતા. લોધીકાના આરોગ્ય કર્મચારીઓએ 6 વાર તેમના ઘરે જઇને રસી લેવા માટે વૃધ્ધાને સમજાવવાની કોશિષ કરી, અંતે સાતમી વખતની બ્લોક હેલ્થ ઓફિસર ડો. એમ.એસ.અલીની સમજાવટ રંગ લાવી, અને માજી રસી મુકાવવા તૈયાર થયા. આ માજીને અસ્મિતાબેને રસી આપી. અને ઉત્તમ ફરજનિષ્ઠાનું દ્રષ્ટાંત સ્થાપિત કર્યું છે. 


અત્રે નોંધનીય છે કે, અસ્મિતાબેન જેવા આરોગ્ય કર્મચારીઓની કાર્યનિષ્ઠા થકી જ કોરોનાની ત્રીજી લહેરનું આક્રમણ ખાળી શકાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube