રાજકોટઃ રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. આજે સવારથી જ તેમની તબિયત નાજૂક હતી. રાજકોટના પેલેસમાં ત્રણ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેમને અલ્જાઇમરની બિમારી હતી. લોકોમાં તેઓ દાદાના હુલામણા નામથી જાણીતા છે. તેમની અંતિમ યાત્રા આવતીકાલે સવારે નિકળશે. શુક્રવારે સવારે 8 થી 10 વાગ્યા સુધી મનોહરસિંહ દાદાના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે. 10 વાગ્યા બાદ પાલખી યાત્રા નીકળશે બાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંધાતાસિંહ દ્વારા મનોહરસિંહજીની અંતિમ યાત્રા માટે પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માંગવામાં આવી છે. અંતિમયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત, 20 ઘોડેસવાર પોલીસ પહેરવેશ સાથે અને પોલીસ બેન્ડને અંતિમયાત્રામાં જોડાવવા માંગ કરી છે. 9 ગનની સલામી માટે ફાયરિંગ કરવા પરવાનગી લેવામાં આવી.


મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહ જાડેજાનો જન્મ 18 નવેમ્બર 1935ના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં થયો હતો. તેમણે રાજકોટના રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. 1949માં તેમના લગ્ન માનકુમારી દેવી સાથે થયા હતા. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મનોહરસિંહ જાડેજાના નિધન અંગે દુખ વ્યક્ત કર્યું છે. 



એક ક્રિકેટર તરીકે દાદા
મનોહરસિંહજી એક સારા ક્રિકેટર પણ હતા. તેઓ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન પણ રહ્યાં હતા.વર્ષ 1955-56 દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચ દરમિયાન પહેલી ઇનિંગમાં 59 રન બનાવ્યા હતા. તેઓ હંમેશા ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે ભૂમિકા નિભાવતા હતા. તેઓએ તેમની ક્રિકેટ કારકિર્દીમાં હાઈએસ્ટ 144 રન ગુજરાત ટીમ સામે ડિસેમ્બર 1957માં બનાવ્યા હતા.  દાદાએ 14 મેચ દરમિયાન 614 રન બનાવ્યા હતા. જેમાં 1 સદી અને 4 અર્ધ સદીનો સમાવેશ થાય છે. 



ગુજરાતના મંત્રી પણ રહ્યાં હતા
મનોહરસિંહજીએ કોંગ્રેસ સાથે પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ રાજકોટથી વિધાનસભામાં પહોંચ્યા હતા. તેઓ 1967માં પ્રથમવાર ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. ત્યારાદ 1980થી 1985 અને 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં હતા. આ દરમિયાન તેમણે નાણાપ્રધાન, યુવા સેવાના પ્રધાન સહિત અનેક મહત્વના ખાતા સંભાળ્યા હતા. આ સાથે કોંગ્રેસમાં પણ અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપી હતી.