રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત; DNA મેચ, જુઓ મોત પહેલાનો અંતિમ VIDEO
27મી તારીખે પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઇ ગૂમ થયો હોવાનું જણાવ્યું હતું. ત્યારથી પરિવાર પ્રકાશને શોધતો હતો. ત્યારબાદ તેમની માતાના DNA લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં માતાના DNA સાથે પ્રકાશના DNA મેચ થતાં હોવાનું ખુલ્યું છે.
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં એક પછી એક મૃતદેહોના ડીએનએન મેચ થાય હોવાની વિગતો સામે આવી છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત થયું છે. જી હા...પ્રકાશ જૈનના DNA મેચ થઈ ચૂક્યા છે.
આ આગકાંડમાં TRP ગેમ ઝોનના ભાગીદાર પ્રકાશ હિરણ જૈન આગ લાગી ત્યારે લોકોને બચાવતો નજરે પડ્યો હતો. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ આ અગ્નિકાંડમાં તેઓ પોતે પણ ભડથું થઇ ગયા છે. ગાંધીનગર FSLમાંથી પ્રકાશ જૈનનો DNA રિપોર્ટ આવી ચૂક્યો છે. જેમાં તેમની માતા સાથે તેમના ડીએનએ મેચ થયા છે.
તમને જણાવી દઈએ કે 27મી તારીખે પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઇ ગૂમ થયો હોવાનું જણાવ્યું હતું. ત્યારથી પરિવાર પ્રકાશને શોધતો હતો. ત્યારબાદ તેમની માતાના DNA લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં માતાના DNA સાથે પ્રકાશના DNA મેચ થતાં હોવાનું ખુલ્યું છે. જેના કારણે આ દુર્ઘટનામાં આરોપી પ્રકાશનું પણ મોત થયું હોવાનું સ્પષ્ટ થઇ જાય છે.
નોંધનીય છે કે, રાજકોટના TRP ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી ત્યારે પ્રકાશ જૈન ત્યાં હાજર હતો અને આગ બુજાવવાની કોશિશ કરતો હોય તેવા CCTV સામે આવ્યા હતા. આ ઘટના બાદ પ્રકાશના કોન્ટેક્ટ નંબર સ્વીચ ઓફ આવતા હતા અને તેની કાર પણ ગેમઝોનના પાર્કિંગમાં પડેલી હતી. છેલ્લા બે દિવસથી પ્રકાશનો કોઇ સંપર્ક ન થતાં તેના પરિવારજનો ટેન્શનમાં હતા અને તેમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને એક અરજી આપી પ્રકાશ ગુમ હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખસની અટકાયત કરી છે. તો બીજી તરફ ગેમ ઝોનના મુખ્ય ભાગીદાર ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં દલીલો બાદ કોર્ટે તેના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.