રાજકોટમાં ભાજપના ચારેય ઉમેદવાર છે કરોડપતિ, સૌથી ધનિક રમેશ ટીલાળા, જાણો કોની કેટલી છે સંપત્તિ
Gujarat Elections 2022 : રાજકોટમાં ભાજપના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા... રમેશ ટીલાળાએ સોગંદનામામાં દર્શાવી કરોડો રૂપિયાની સંપત્તિ... સ્થાવર અને જંગમ મિલકત મળીને 26 કરોડ 80 લાખની મિલકત
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ભાજપના ચારેય ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. આ માટે રાજકોટના બહુમાળી ભવનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો હતો. તેમજ ફોર્મ ભરવા જતા પહેલા ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન કરાયુ હતું. ભાજપ દ્વારા સભાનું આયોજન કરાયુ હતું. તેના બાદ ચારેય ઉમેદવારો ઉદય કાનગડ પૂર્વથી, ડૉ. દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમથી, રમેશ ટીલાળાએ દક્ષિણથી અને ભાનુ બાબરીયા ગ્રામ્યથી ફોર્મ ભર્યુ હતું. તમામે 12.39 ના શુભ મુહૂર્તે ફોર્મ ભર્યુ હતું. ત્યારે રાજકોટમાં ભાજપના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા હોવાનું સામે આવ્યું છે. રમેશ ટીલાળાએ સોગંદનામામાં પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ દર્શાવી છે.
રાજકોટ ચારે વિધાનસભાના ઉમેદવારો કરોડપતિ
1. રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર ઉદય કાંનગડ સોગદનામા પોતાની સંપત્તિ દર્શાવી. સ્થાવર-જંગમ મિલકત મળીને કુલ 9 કરોડ,66 લાખની સંપત્તિ દર્શાવી. ઉદય કાનગડ પર ચાર ફોજદારી કેસ થયેલા છે.
2. રાજકોટ પશ્ચિમના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે પણ લાખોની સંપત્તિ બતાવી. સ્થાવર અને જંગમ મળીને 94 લાખ 82 હજારની સંપત્તિ દર્શાવી.
3. રાજકોટ ગ્રામ્યના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ પતિ અને પોતાના નામે કરોડોની સંપત્તિ બતાવી. સ્થાવર અને જંગમ મિલકત મળીને 10 કરોડ 78 લાખની સંપત્તિ બતાવી.
4. રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ પણ કરોડો રૂપિયાની સંપત્તિ બતાવી. સ્થાવર અને જંગમ મિલકત મળીને 26 કરોડ 80 લાખની મિલકત બતાવી.
રમેશ ટીલાળા સૌથી વધુ કરોડપતિ
રમેશ ટીલાળા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ છે. આ સાથે જ તેઓ રાજકોટના સૌથી ધનિક ઉમેદવાર છે. રમેશ ટીલાળાએ ઉમેદવારી ફોર્મમાં સ્થાવર અને જંગમ મિલકત મળીને કુલ 26 કરોડ 80 લાખની મિલકત દર્શાવી છે. રમેશ ટીલાળા રાજકોટની ચારેય વિધાનસભા બેઠકના સૌથી કરોડપતિમાંના એક છે.
રમેશ ટીલાળા માટે નરેશ પટેલે કર્યુ હતું લોબિંગ
રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાએ આજે નામાંકન ભર્યું. ત્યારે આ સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ હાજર રહ્યા હતા. રમેશ ટીલાળા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓ તાજેતરમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે ખોડલધામમાં દર્શન કરવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે તેમના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન ખોડલધામ આવે તેવી શક્યતા છે. રમેશ ટીલાળાને ટિકિટ અપાવવા માટે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે લોબિંગ કર્યુ હતું.
ભાજપમાં નારાજગી હોતી નથી - મનસુખ માંડવિયા
આજે રાજકોટ ભાજપના ચારે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભર્યા હતા. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, આજે રાજકોટ ની ચારેય વિધાનસભા બેઠકના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ભારતીય જનતા પાર્ટી એ કરેલા વિકાસના કામો અને પ્રધાનમંત્રી આપેલા સૂત્ર ‘ગુજરાતને મેં બનાવ્યું છે’ ને લઈને ઉમેદવારો ચાલી રહ્યા છે. જોકે 2017 માં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને નુકસાન થયું હતું. ત્યારબાદ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવો પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવ્યો છે. તેમાં અનેક વર્તમાન ધારાસભ્યો અને મંત્રીઓને ટિકિટો કાપી નવોદિત ચહેરાઓને ચૂંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં તમામ લોકો સહમત છે સ્વૈચ્છિક રીતે પણ ધારાસભ્યોએ ચૂંટણીના લડવાનો નિર્ણય જાહેર કર્યો છે તો આજે ઉમેદવારોની જાહેર સભામાં પણ જે લોકોની ટિકિટો કપાય છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં કોઈની નારાજગી હોતી નથી. અહીં જે ભાજપના કમળનું નિશાન લઈને આવે છે તેને જીતાડવાના હોય છે. આમ આદમી પાર્ટીને લઈને મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનો કોઈ જ અસર ગુજરાતની ચૂંટણીમાં જોવા મળશે નહીં. આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ જશે ભાજપના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે.