Rajkot Game Zone Fire: 25મી મે 2024ની એ તારીખ ગુજરાતના ઈતિહાસમાં કાળા અક્ષરે નોંધાયેલી છે. કારણ કે એ દિવસે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 જિંદગીઓ જીવતા જીવ ભૂંજાઈ ગઈ. મૃતદેહો એ હદે બળી ગયા કે ડીએનએ દ્વારા ઓળખ  કરવી પડી. ઘટનાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં હાહાકાર મચાવી દીધો. હવે આ ઘટનાના આઠ દિવસે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનું નિવેદન આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેસ કોન્ફરન્સ કરીને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ ઘટના પર પોતાનું નિવેદન આપ્યું. આ દરમિયાન ભાવુક થઈને તેઓ રડી પણ પડ્યા. તેમણે કહ્યું કે આ ઘટના બની તેના બીજા જ દિવસથી હું રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓના સંપર્કમાં છું. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, તેના માટે ગાંધીનગર અને  કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી. જે લોકોના મૃત્યુ થયા હતા તેમના મૃતદેહ પરિવારને મળી જાય તેના માટે હું સતત ચિંતા કરતી હતી. 


તેમને જ્યારે પ્રશ્ન પૂછાયો કે ભાજપના જ કોઈ એક ધારાસભ્યએ ભલામણ કરી હતી અને ડિમોલીશન અટકી ગયું હતું. તેમાં ભાનુબેનનું નામ હશે તો તેઓ શું કરશે તો તેમણે કહ્યું કે તેઓ જાહેર જીવન છોડી દેશે. આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેહગાર હોય એમને છોડવા જોઈએ નહીં. મુખ્યમંત્રી એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે  કોઈ પણ ગુનેહગારને છોડવામાં નહીં આવે. 


સાગઠીયા વિશે શું કહ્યું? 
ભાનુબેન બાબરિયાને જ્યારે ટીપીઓ મનોજ સાગઠિયા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સીટે જે પણ કાર્યવાહી કરી છે તે કાર્યવાહીમાં જે પણ દોષિત હોય તેને  છોડવામાં નહીં આવે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે નેતાઓના આશીર્વાદ હોય તો જ તેના આવા કારસ્તાન હોય તો તેમણે કહ્યું કે જે કોઈ ગુનેહગારો સાથે સંકળાયેલા હશે તેને સરકાર છોડશે નહીં. સીટના માધ્યમથી જે પણ કાર્યવાહી થઈ રહી છે જે પણ ગુનેહગાર હશે તેને છોડવામાં નહીં આવે. જો કે તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા ઘરની સામે સાગઠિયાનું આલિશાન ઘર બની રહ્યું છે તો  તેમણે કહ્યું કે ઘરની સામે બંગલો બનતો હોય તે ખ્યાલ જ હોય ને. જો કે વધુ જવાબ આપવાનું ટાળ્યું હતું. 


સાગઠીયાની અધધધ...મિલ્કતનો થયો છે ખુલાસો
અત્રે જણાવવાનું કે આ સમગ્ર અગ્નિકાંડમાં ટાઉન પ્લાનિંગ અધિકારી (TPO)નું નામ સામે આવ્યું છે અને એ છે મનોજ સાગઠીયા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં ACB એ દરોડા પાડ્યા હતા.  એમડી. સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડાની કાર્યવાહી કરાઈ છે. તમને જણાવી દઈએ કે એમ ડી સાગઠીયાને TPOના હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠીયાની અને પરિવારની કરોડોની મિલ્કત હોવાની ચર્ચા ઉઠી છે. રાજકોટ આગકાંડમાં મોતના ગેમઝોન સામે આંખ મીચામણાં કરનારો એમ. ડી. સાગઠિયા કરોડો રૂપિયાનો આસામી હોવાનો ખુલાસો થયો છે. 8 કરોડનો બંગલો, 3 પેટ્રોલ પંપ, 200 કરોડની જમીન સહિતની મિલકતો વસાવી હોવાના આરોપ લાગ્યા છે. ભ્રષ્ટ બાબુઓની ACB તપાસ કરી રહી છે.
એમ ડી સાગઠીયાની રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા છે. જેતપુર રાજકોટ નેશનલ હાઇ-વે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા વાળું ફાર્મ હાઉસની કામગીરી પણ ચાલુ છે.હાઇ-વે પર આવેલ ફાર્મ હાઉસ તેમના પરિવારનું હોવાની ચર્ચા છે. ટીપીઓ એમ. ડી સાગઠીયા તેમજ તેમના પરિવારની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલપંપ, બંગલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


સાગઠિયા ભાનુબેન બાબરિયાનો પાડોશી!
50 હજારથી 60 હજાર પગારદાર પાસે તેમના પરિવાર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. એસીબી દ્વારા ગેમઝોન કાંડમાં સડોવાયેલ અધિકારીની સંપત્તિની તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળી આવે તેવી શકયતા છે. બીજી બાજુ, આ ભ્રષ્ટાચારી બાબુનાં પાડોશી મંત્રી ભાનુબેન બાબરિયા છે અને તેમની બાજુમાં જ TPO એમ. ડી. સાગઠિયાનો નવો બંગલો બની રહ્યો છે. આ ભ્રષ્ટાચારની પોલ ખૂલ્યા બાદ રાજકોટમાં કેવા કેવા ભ્રષ્ટાચારીઓ ભર્યા છે તે જુઓ. TPO એમ. ડી. સાગઠિયાના પાડોશીઓ પણ કહી રહ્યા છે કે સાગઠિયા મહાભ્રષ્ટાચારી છે. કરોડો રૂપિયાની મિલકતો વસાવી હોવાનો સાગઠિયા પર આરોપ લાગ્યો છે.

વધુ વિગતો માટે જુઓ Video