Rajkot News: રાજકોટ ટીઆરપી કાંડમાં તમામ ઠીકરું હવે સાગઠિયા પર ફૂટે તેવી પૂરી સંભાવના છે. રાજકોટ અગ્નિકાંડમાં બધા દૂધે ધોયેલા છે અને હવે હાઈકોર્ટ શું નિર્ણય લેશે એની પર સૌની નજર છે. ચર્ચાય છે કે  સત્યશોધક સમિતિએ શહેરના બે પૂર્વ  મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ આપી દીધી છે. આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ રોલ ન હોવાનો આપ્યો રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરાયો છે. રાજકોટ અગ્નિકાંડ બાદ કાર્યવાહી થશે અને પીડિતોને ન્યાય મળશે એવી ગુજરાતીઓને અપેક્ષા હતી પણ હવે દળી દળીને ઢાંકણીમાંની જેમ એક બાદ એક રિપોર્ટ બહાર આવી રહ્યાં છે એમાં તમામને બચાવી લેવાયા છે. આ કેસમાં ટીપીઓ સાગઠિયાને ભરાવી દઈને સૌને બહાર કાઢવાનો પ્લાન ગોઠવાયો હોય ચર્ચાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ TRP ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ પાછળના જવાબદારોને શોધવા, આ માનવસર્જીત હોનારત માટે વહિવટી ખામીઓને બહાર લાવીને રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટે સત્ય શોધક કમિટી રચવા આદેશ કર્યો હતો. એ અનુસંધાને ગુજરાત સરકારે ત્રણ સેક્રેટરીઓની કમિટી રચી છે.  મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ બનેલી સમિતિએ બે આઈએએસ ઓફિસરને ક્લીનચીટ આપી દીધી હોવાના અહેવાલો બહાર આવ્યા છે. આ પ્રકરણમાં બર્થ ડે પાર્ટી ઉજવવા ગયેલા અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓને પણ સાફ બચાવી લેવાયા હોવાની ચર્ચાઓ છે. આ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો છે.  


રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની ઘટના તા. 25મી મેના રોજ બની એ પછી પોલીસ, એસીબી સીટ અને ક્રાઇમબ્રાંચ સહિતની ટીમ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને જ દોષિત માની રહ્યું છે. જેઓની આસપાસ જ તપાસ ફરી રહી છે. ગેમઝોન અગ્નિકાંડની ઘટના રાજય સરકારે બનાવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે (એસઆઇટી પ્રાથમિક રીપોર્ટ સરકારને સોંપી પણ દીધો છે. આ બાદ પણ હાઇકોર્ટને સંતોષ ન થતા સત્ય શોધક કમીટી બનાવવા હુકમ કર્યો હતો. જેના પગલે સરકારે સચિવ કક્ષાના ત્રણ અધિકારીઓની કમીટી બનાવી હતી. 


મહેસુલ વિભાગના જમીન સુધારણા કમિશનર અને હોદ્દાની રૂએ સચિવ પી.સ્વરૂપ, ગ્રામ વિકાસ કમિશ્નર અને પંચાયત ગ્રામ વિકાસ સચિવ મનીષા ચંદ્રા તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન, મુખ્ય કારોબારી અધિકારી રાજકુમાર બેનીવાલ એમ ત્રણ સીનીયર આઇએસ અધિકારીઓનો સમાવેશ કરાયો હતો.  જેઓએ તપાસ પણ કરી છે.  વર્ષો પહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને અપાઈ હોવાના કારણે બંને મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ ન હોવાનો રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવાના અહેવાલો છે. 


28 નિર્દોષ લોકોના મોત માટે જેટલા અધિકારીઓ જવાબદાર છે તેટલા સ્થાનિક નેતાઓ પણ છે. કેટલાક નેતાઓ કરોડોના આસામી થઈ ગયા છે. પોલીસ, માર્ગ-મકાન, ટાઉન પ્લાનિંગ અને ફાયર બ્રિગેડનું તંત્ર એમ આ બધાંની મીલીભગત સીધી દેખાઈ રહી છે. હવે આ કેસમાં ફરિયાદો દાખલ કરીને પકડા પકડી ચાલી રહી છે પણ હકીકતમાં તો સફેદ કપડાંમાં ફરતા કેટલાક નેતાઓ સામે ગાળિયો કસવાની જરૂર છે પણ આ કેસમાં 28 લોકોનાં મોત થયાં છે. જેમને ન્યાય માટે હવે હાઈકોર્ટ પર સૌની નજર છે. કોંગ્રેસ આ મામલે ન્યાયયાત્રા કાઢવાની છે. આ કેસમાં રાજકોટ બંધ પણ રહ્યું છે.