• દીકરીએ પિતાના મૃતદેહને જોવા કર્યા ધમપછાડા, સ્ટાફે પકડી રાખી

  •  મૃતકનાં પરિવારજનોને પીપીઇ કીટમાં જ કરાવાય છે અંતિમ દર્શન


ગૌરવ દવે/રાજકોટ :સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જઇ રહી છે. સિવિલ હોસ્પિટલમાં કઠણ હૃદયના માનવીનું પણ હૈયુ હચમચાવી દે તેવી કરૂણ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતા જ દીકરી હૈયાફાટ રૂદન સાથે પિતાનું આખરી મોં જોવા ધમપછાડા કરે છે. પરંતુ સિવિલનો સ્ટાફ તેને પકડી રાખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીકરીની વ્યથા જોઈને સૌ કોઈની આંખ ભીંજાઈ ગઈ 
કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારો નોંધારા બન્યા છે. ઘણાં લોકોનાં જુવાનજોઘ દીકરાઓ ખોયા છે, તો ઘણાં લોકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આવી જ એક ઘટના રાજકોટની સિવિલ હોસ્પિટલનાં કોવિડ કેર સેન્ટરમાં સામે આવી હતી. એક દિકરી પોતાનાં મૃત પિતાનું મોં જોવા માટે ધમપછાડા કરે છે. પરંતુ હોસ્પિટલનો સ્ટાફ તેને પકડી રાખી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો આ વીડિયો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં એક તરફ સ્ટ્રેચર પર પિતાના મૃતદેહ પડ્યો છે અને બીજી તરફ મહિલાઓ રોકકળ કરી રહી છે. પરંતુ આ ઘટનામાં સૌથી વધુ કરૂરણા એ હતી કે, મૃતક પિતાની દીકરીએ હૈયાફાટ રૂદન કર્યુ અને સૌ કોઇની આંખ ભીંજવી દીધી હતી. દીકરી પિતાના અંતિમ દર્શન માટે વલખા મારી રહી છે.


મૃતદેહ આવતા જ મહિલાઓ કલ્પાંત કરવા લાગી 
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યો હતો. લાશ આવતાં જ મહિલાઓ કલ્પાંત કરવા લાગી હતી. મૃતકની દીકરી સ્ટ્રચર સુધી જતી હતી, પણ સ્ટાફે સંક્રમણ ન ફેલાય એ માટે દૂર લઈ ગયા તો રડતાં રડતાં કહેવા લાગી હતી કે, હજુ થોડીવાર મને મારા પપ્પાને જોવા દો. આ સ્થળથી 200 મીટર દૂર આવા અનેક પરિવાર રાહ જોઇ રહ્યાં હતા.


આ છે કોવિડ ગાઇડ લાઇન


  • કોરોના પોઝિટીવ દર્દીનું મોત થાય એટલે પીપીઇ કિટમાં જ અંતિમ સંસ્કાર કરાય છે

  • સ્વજનોને પીપીઇ કિટમાંથી જ અંતિમ દર્શન કરાવવામાં આવે છે

  • અંતિમ સંસ્કાર માટે સ્મશાને પણ ત્રણ થી ચાર લોકોને જ મંજૂરી હોય છે

  • કોરોના પોઝિટિવમાંથી નેગેટીવ થાય અને મોત થાય તો પણ કોવિડ ગાઇડ લાઇન હેઠળ જ અંતિમ વિધિ કરાય છે