રાજકોટઃ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોવા મળી મબલક આવક થઈ છે. છેલ્લાં 3 દિવસમાં 1 લાખ મણથી વધુ મગફળીની આવક થઈ છે. પરંતુ તેના ભાવ માત્ર 750થી લઈને 900 સુધી મળતાં ખેડૂતોમાં સરકાર સામે રોષ પ્રગટ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદના કારણે મગફળી અને કપાસના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નવી સિઝન શરૂ થતાની સાથે જ બેડી યાર્ડ મગફળીથી છલકાઈ ગયું હતું. જેના કારણે હાલ તો મગફળીની આવક પર પ્રતિબંધ મૂકાયો છે. પરંતુ જૂની મગફળીના નિકાલ બાદ નવી મગફળીની આવક શરૂ કરાશે. જોકે 750થી લઈને 900 રૂપિયા સુધીના ભાવ મળતાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.


દશેરા બાદ સિઝનની સૌ પ્રથમ નોંધપાત્ર આવક થતાં ખેડૂતો સવારથી જ પોતાનો માલ લઈને યાર્ડ આવી પહોંચ્યા હતા. જેમાં શુક્રવારે મગફળીની 11,000 ક્વિન્ટલ, શનિવારે 4800 ક્વિન્ટલ અને સોમવારે 10,500 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. જે પ્રમાણે માત્ર 3 દિવસમાં 1 લાખ મણ ઉપરની આવક થઈ છે. પાણીની અછતના કારણે પાકને પણ મોટી અસર થઈ છે. ગત વર્ષની સરખામણીમાં માત્ર 6થી 8 મણનું ઉત્પાદન થયું છે. એકબાજુ દિવાળી આવી રહી છે. ત્યારે ખેડૂતોને વધુ ભાવ મળે તે માટે સૌરાષ્ટ્ર યાર્ડ વેપારી એસોસિયશને પણ ટેકો જાહેર કર્યો છે. 

ઓછા વરસાદના કારણે મગફળીના પાકનું 50 ટકા ઓછું ઉત્પાદન થયું છે. ત્યારે આગામી દિવસોમાં તેની ભારે અછત જોવા મળશે. તે સ્થિતિમાં સિંગતેલના ભાવ 1700થી 1800 રૂપિયા સુધી પહોંચે તો નવાઈ નહીં.