ગૌરવ દવે/રાજકોટ : રાજ્યમાં અવાર નવાર સોની બજારમાં સોના-ચાંદીના લૂંટના સમાચાર સામે આવતા હોય છે. થોડા સમય પહેલા રાજકોટના પ્રખ્યાત સોની બજારમાં બંગાળી કારીગરો દ્વારા સોનું લઈને ભાગી ગયાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે ફરી એકવાર જાણીતા સોની બજારમાં મેન્યુફેકચરનું કામ કરતો બોબી નામનો શખ્સ કરોડોનું સોનું લઈ રફુચક્કર થયો હોવાની ઘટના બની છે. બોબી ઉપર ફાઈનાન્સરોનું લેણું ચડી ગયું હોવાથી તેણે આ કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બીજી બાજુ પોલીસે હજુ સુધી ફરિયાદ નોંધ્યા વગર તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના સોની બજારમાં મેન્યુફેકચરનું કામ કરતો બોબી નામનો શખ્સ કરોડોનું સોનું લઈ રફુચક્કર થઈ ગયો છે. ચર્ચાતી વિગત મુજબ બે મોટા માથા તેમજ અન્ય નાના મોટા સોની વેપારીઓનું સોળ કિલો સોનું લઈ રફુચક્કર થઈ ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બોબી ઉપર ઘણા ફાઈનાન્સરોનું લેણું ચડી ગયું હોવાથી તેણે એક માસ્ટર પ્લાન બનાવ્યો હતો અને તેણે સોની બજારમાંથી કરોડો રૂપિયાનું સોનું ચોરી ફરાર થઈ ગયો છે. સમગ્ર ઘટના બનતા જેનું સોનું ચોરી થયું છે તે નાના મોટા સોનીઓ ક્રાઇમ બ્રાન્ચે પહોંચ્યા હતા. પોલીસે આ ઘટનામાં હજુ સુધી ફરિયાદ નોંધ્યા વગર આગળની તપાસ હાથ ધરી છે. 


અગાઉ પણ રાજકોટના સોની બજારમાં આવો કિસ્સો બન્યો હતો
અત્રે ઉલ્લેખનીય કે, થોડા સમય પહેલા રાજકોટના પ્રખ્યાત સોની બજારમાં બંગાળી કારીગરો સોનું લઈને ભાગી ગયા હોવાનો કિસ્સો બન્યો હતો. જેમાં 50-100 ગ્રામ સોનું બંગાળી કારીગર લઈને ફરાર થઈ જાય તો તે અંગેની ફરિયાદ કરવામાં આવતી નથી, પરંતુ ખાનગી રીતે તેની તપાસ શરૂ કરાય છે. પરંતુ તે વખતે બનેલી ઘટનામાં 70 તોલાના સોનાના ઘરેણા ગાયબ થવાની ઘટના બની હતી. આ ઘટનામાં રિપોર્ટ્સ મુજબ પોલીસે ફરિયાદ લીધા વગર સીસીટીવી ફૂટેજના આધારે ખાનગી તપાસ શરુ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube