છે ને પાટીદારોનો વટ! સિમેન્ટ-લોખંડનો ઉપયોગ કર્યા વિના રાજકોટમાં બનશે જબરદસ્ત ઉમિયાધામ, કરોડોનો છે આ પ્રોજેક્ટ
Rajkot Umiyadham: શહેરના કાલાવડ રોડ પર કણકોટ પાસે જશવંતપરા ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાજીના આકાર લઈ રહેલા આ મંદિર માટે કુલ 32 વિધા જમીન ખરીદ કરવામાં આવી છે. આ મંદિર બનાવવામાં કુલ 550 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં ઉમિયા માતાજીનું મંદિર અને શિક્ષણધામ પણ હશે.
Rajkot Umiyadham: ઝી બ્યુરો/રાજકોટ: પાટીદારો દ્વારા કુળદેવી માતા ઉમિયાનું વિશ્વનું સૌથી મોટું મંદિર બાદ હવે સૌરાષ્ટ્રમાં ઉમિયાધામ બનવા જઈ રહ્યું છે. રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામે હવે મા ઉમિયાનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. તેના માટે શહેરના કાલાવડ રોડ પર કણકોટ પાસે જશવંતપરા ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાજીના આકાર લઈ રહેલા આ મંદિર માટે કુલ 32 વિધા જમીન ખરીદ કરવામાં આવી છે. આ મંદિર બનાવવામાં કુલ 550 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં ઉમિયા માતાજીનું મંદિર અને શિક્ષણધામ પણ હશે. સૌરાષ્ટ્રમાં હવે સિદસર બાદ બીજું સૌથી મોટું મંદિર હશે.
550 કરોડનો છે આ પ્રોજેક્ટ!
રાજકોટમાં નિર્માણ પામનાર ઉમિયાધામમાં સેવાશ્રમ, શૈક્ષણિક સંકૂલ હશે. આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે થનાર છે. આગામી 13 ડિસેમ્બરના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમનું ખાતમુહર્ત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 550 કરોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવનાર છે. જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે.
સેવાશ્રમમાં આરોગ્યધામ, કેળવણી સંસ્થાન, એમ્યુઝમેન્ટ પાર્ક
ઉલ્લેખનીય છે કે, ન્યારી નદીના કાંઠે રાજકોટના નવા રીંગ રોડથી એક કિલોમીટરના અંતરે 10 એકર જગ્યામાં સેવાશ્રમ અને શિક્ષણધામ આકાર લેશે અને તેના માટે અંદાજિત 500 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. સેવાશ્રમમાં આરોગ્યધામ, કેળવણી સંસ્થાન, એમ્યુઝમેન્ટ પાર્ક પણ આકાર લેનાર છે.
13 ડિસેમ્બરે મંદિર-સંકુલનું ખાતમુહૂર્ત
આ અંગે સંગઠન ચેરમેન નિલય ડેડાણીયાએ જણાવ્યું હતું કે, આગામી 13 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી દ્વારા આ ભવ્ય દિવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ કર્યક્રમ ઉમિયાધામ મંદિરના બાબુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. ઉમિયા માતાજી સંસ્થાનના મંદિરને પ્રથમ તબક્કે બનાવવામાં આવનાર છે. મહત્વની વાત એ છે કે આ ઉમિયાધામ મંદિર બનાવવામાં સિમેન્ટ અને લોખંડના ઉપયોગ કરવામાં આવશે નહીં, એટલે કે અયોધ્યામાં જેમ ગુલાબી પથ્થરનો ઉપયોગ કરાયો છે તેવા ભરતપુરના પથ્થરોનો ઉપયોગ કરીને આ મંદિર બનાવવામાં આવશે. જેમાં એક બીજા સાથે પથ્થરને જોડીને બાંધકામ કરવામાં આવશે. આ કામ માટે લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગશે.