ગૌરવ દવે/રાજકોટ: આજકાલ સુસાઈડ નોટના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટમાં 2 માસનો ગર્ભ ધરાવતી પરિણીતાએ એક સુસાઈડ નોટ લખીને ગળેફાંસો ખાઈ આપઘાત કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જયશ્રી નામની પરિણીતાએ સુસાઈડ નોટમાં 'મારા પતિને બીજી યુવતી સાથે સંબંધ છે' એવું લખીને જીવન ટૂંકાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે પરિણીતાએ અંતિમ કોલ પણ પોતાના પિયરજનોને કર્યો હતો. પરિણીતાએ 7 માસ પૂર્વે જ લગ્ન કર્યા હોવાનું ખુલ્યું છે. ત્યારે સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એકતાનગરમાં રહેતી અને 7 મહિના પૂર્વે લગ્ન કરનાર નવોઢા જયશ્રીબેન નયનભાઈ દાફડા (ઉં.વ.22)એ ગઈકાલે રાત્રિના પતિ બહાર ગયા બાદ પોતાના રૂમમાં 'મારા પતિને અન્ય યુવતી સાથે સંબંધ છે અને મારું કંઈ રાખતા નથી' એવી સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરંતુ જ્યારે સાસુએ રૂમમાં ગયા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને રૂમમાં પુત્રવધૂનો મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ પરિવારને થઈ હતી. આ ઘટના બાદ પુત્રવધૂને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું અને ફરજ પરના ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.


આ ઘટનાની જાણ લોધિકા પોલીસના હેડ કોન્સ્ટેબલને થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. જોકે જોકે સુસાઇડ નોટ ખોટી હોવાનું અને તેમને કોઈ સાથે સંબંધ ન હોવાનું મૃતકના પતિએ જણાવ્યું હતું. મૃતક પરિણીતાના પતિ નયનભાઈએ જણાવ્યું હતું કે તે રિક્ષા ચલાવે છે અને તેના લગ્ન સાત માસ પહેલાં થયા હતા.


પોલીસને પરિણીતાના ગર્ભમાં બે માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે. મૃતકનું માવતર જામનગર છે અને તે ત્રણ ભાઈ- બહેનમાં મોટા હતા. તેમજ તે સાસરે તેના પતિ અને સાસુ-સસરા સાથે રહેતી હતી. બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.