રાજકારણમાં પણ સક્રિય હતા રાજકોટના રાજવી, સરકારથી લઈને સંગઠનમાં કર્યું હતું કામ
રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે.
રાજકોટઃ રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાનું 83 વર્ષની ઉંમરે આજે સાંજે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. આજે સવારથી જ તેમની તબિયત નાજૂક હતી. રાજકોટના પેલેસમાં ત્રણ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેમને અલ્જાઇમરની બિમારી હતી. લોકોમાં તેઓ દાદાના હુલામણા નામથી જાણીતા છે.
આવું રહ્યું દાદાનું જીવન
મનોહરસિંહ જાડેજાએ રાજકોટ શહેર પ્રમુખથી લઈને રાજ્ય સરકારમાં આરોગ્ય, રમતગમત, નાણાં, બંદરો, યુવા વિકાસ સહિત અનેક કામગીરી કરી હતી. જેની આજે પણ નોંધ લેવામાં આવે છે. તેમણે રવિ પીયુના ઉપનામથી ત્રણ કાવ્ય સંગ્રહ અને આત્મકથા પણ લખી હતી. કોંગ્રેસમાં તેમણે સરકાર અને સંગઠનમાં અનેક મહત્વની જવાબદારી નિભાવી હતી. રાજકોટનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે દાદા હંમેશા આગળ રહેતા હતા. આથી જ લોકો તેમને દાદાના હુલામણા નામથી ઓળખે છે.
રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાનું 83 વર્ષની ઉંમરે નિધન
મનોહરસિંહ જાડેજાની રાજકીય કારકિર્દી પર નજર
મનોહરસિંહજીએ કોંગ્રેસ સાથે પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ રાજકોટથી વિધાનસભામાં પહોંચ્યા હતા. તેઓ 1967માં પ્રથમવાર ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. ત્યારાદ 1980થી 1985 અને 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં હતા. આ દરમિયાન તેમણે નાણાપ્રધાન, યુવા સેવાના પ્રધાન સહિત અનેક મહત્વના ખાતા સંભાળ્યા હતા. આ સાથે કોંગ્રેસમાં પણ અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપી હતી. 1998થી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી હતી.