ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ભૂમાફિયાઓનો જીવલેણ આતંકનો કિસ્સો સામે આવ્યો છે. ભૂમાફિયાઓએ માર મારતા કારખાનેદારનું મૃત્યુ થયુ છે. શહેરની રાધે ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓએ હુમલો કર્યો હતો. ત્યારે સારવાર દરમિયાન કારખાનેદાર અવિનેશ ધુલેશિયાનું મૃત્યુ થયુ છે. ત્યારે ભૂમાફિયાના આતંકથી કંટાળેલા રાધે ક્રિષ્ના સોસાયટીના લોકોએ અવિનાશ ધુલેશિયાનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. સાથે જ સોસાયટીના રહીશોએ અન્નજળનો ત્યાગ કરીને તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વહેંચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દબાણ કરવામાં આવતું હતું. બે દિવસ પૂર્વે 5 જેટલા શખ્સો ગુંડાઓની જેમ સોસાયટીમાં ઘસી આવ્યા હતા. તેઓએ નશાની હાલતમાં સોસાયટીના રહીશોના ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સ્થાનિક અવિનેશ ધુલેશિયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત અવિનેશ ધુલેશિયાએ દમ તોડ્યો હતો. ત્યારે મારામારીન કેસ હવે હત્યામાં પલટાયો છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે. 



બીજી તરફ, રાજકોટની રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂ માફિયાઓના ત્રાસ વધી રહ્યો છે. મૃતક અવિનાશભાઈ ધુલેશિયાનો મૃતદેહ સ્થાનિક રહીશોએ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. રાધેક્રિષ્ના સોસાયટીના લોકોએ સિવિલ હોસ્પિટલમાં અન્ન જળનો ત્યાગ કર્યો છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ જ્યાં સુધી સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ રૂમમાં નહિ આવે ત્યાં સુધી સોસાયટીના રહીશો દ્વારા ધરણા કાર્યક્રમ કરાશે તેવી ચીમકી આપવામાં આવી છે. સાથે જ મહિલાઓએ બંગળીઓ ફેંકી પોલીસ સામે વિરોધ નોંધાવ્યો હતો. ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાની ચીમકી આપવામાં આવી છે. જેમાં એક મહિલાની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.



સમગ્ર ઘટના અનેક સવાલો ઉભા કરે છે. શું રાજકોટમાં પોલીસ અને ભૂમાફિયાની સાંઠગાંઠ ચાલે છે? કેમ પોલીસનો ભૂમાફિયાઓને કોઇ ડર જ નથી રહ્યો ? કેમ ઘર ખાલી કરાવવા માટે માફિયાઓ હુમલા કરી રહ્યા છે? શું માફિયાઓની મલાઇમાં ખાખી પણ ખરડાયેલી છે? રાજકોટ પોલીસની ખાખી પર લાગેલી ડાઘ ક્યારે ધોઇ શકશે? ક્યાં સુધી ભૂાફિયાઓ આવી રીતે લોકોને મોતને ઘાટ ઉતારશે.