રાજકોટ : માથાભારે તત્ત્વોની આપના કાર્યાલયમાં તોડફોડ, ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો
- માથાભારે શખ્સોએ આવીને આપના કાર્યાલયમાં આવીને ફર્નિચરની તોડફોડ કરી
- લક્ષ્મીનગર મેઈન રોડ પર બૂથ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
ઉદય રંજન/રાજકોટ :રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધીરે ધીરે મતદાન થઈ રહ્યું છે. બપોરે 12 વાગ્યા સુધી રાજકોટમાં 14.76 ટકા મતદાન થયું છે. અત્યાર સુધી રાજકોટમાં શાંતિમય રીતે મતદાન ચાલી રહ્યું હતું. જોકે, હવે શાંત પાણીમાં કાંકરીચાળો થયો હોય તેવી ઘટના બની છે. બપોર બાદ રાજકોટમાં ચૂંટણીનો માહોલ હિંસક બન્યો હતો. શહેરના લક્ષ્મીનગર રોડ પર આવેલ આપના કાર્યાલયમાં તોડફોડનો બનાવ બન્યો છે. આપના કાર્યાલયમાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે.
અસામાજિક તત્ત્વોની ઓફિસમાં તોડફોડ
રાજકોટમાં લક્ષ્મીનગર મેઈન રોડ પર આમ આદમી પાર્ટીનું કાર્યાલય આવેલું છે. શહેરના વોર્ડ નંબર 8માં આ કાર્યાલય આવેલું છે. જ્યાં આપના કાર્યકર્તાઓ બેસ્યા હતા. ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્વો ત્યાં આવી ચઢ્યા હતા. આ માથાભારે શખ્સોએ આવીને કાર્યાલયમાં આવીને ફર્નિચરની તોડફોડ કરી હતી. તો સાથે જ આપના ઉમેદવાર દર્શન કણસાગરા અને મુકેશ લાગણેચા સાથે પણ ઉગ્ર બોલાચાલી કરીને મારામારી કરી હતી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
બૂથ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
તોડફોડની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી. કાર્યાલયમાં સર્વત્ર તોડફોડના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખુરશીઓ તૂટેલી હાલતમાં હતી. ત્યારે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. સામસામે ઉગ્ર બોલાચાલી કરનારા લોકોને સમજાવ્યા હતા. ત્યારે હાલ લક્ષ્મીનગર મેઈન રોડ પર બૂથ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
એક પક્ષ નિષ્ફળ, બીજો નિષ્ક્રીય, ત્યારે પ્રજા માટે વિકલ્પ મળ્યો
આમ આદમી પાર્ટીના ઝીલબેન લોઢિયાએ ઝી 24 કલાકની ખાસ વાતચીતમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીમાંથી ગુજરાત અને રાજકોટમાં સૌપ્રથમ વખત લોકોનો વિકલ્પ બનીને ઉભી છે. સારામાં સારી સીટો ઉપર કોર્પોરેશનમાં અમે સત્તા ધરાવીશું. એક પક્ષ નિષ્ફળ અને બીજો પક્ષ નિષ્ક્રિય બન્યો છે. પ્રજા જ્યારે વિકલ્પ માટે વિચાર કરી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ લોકોનો વિશ્વાસ અને દિલ જીત્યા. દિલ્હીમાં 6 વર્ષની અંદર જેવા કામો થાય છે, એવા જ કામો અમે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતીને કરીશું. લોકોને સાથે રાખીને નગરરાજ બિલ લાવીને આ વખતે આમ આદમી પાર્ટી સત્તા પર આવશે.