દૂધનો કાળો કારોબાર : રાજકોટમાં એક વર્ષમાં 90 મંડળીઓ દૂધમાં ભેળસેળ કરતી પકડાઈ
- મંત્રી જયેશ રાદડિયાની ટકોર, દૂધમાં ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે
- રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી સામાન્ય સભા યોજાઈ
- 1 વર્ષમાં ભેળસેળ કરતી 90 મંડળીઓ સામે પગલાં લેવાયા - ચેરમેન ગોરધન ધામેલીયા
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આજે 61 મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. કેબિનેટ મંત્રી અને સહકારી આગેવાન જયેશ રાદડિયા (Jayesh Radadiya) ઉપસ્થિત રહ્યા હતા. જયેશ રાદડિયાએ સાધારણ સભામાં ટકોર કરતા કહ્યું હતું કે, ગત સાધારણ સભામાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહ્યું છે કે, દૂધમાં ભેળસેળ જરા પણ ચલાવી લેવામાં નહિ આવે. દૂધમાં ભેળસેળ કરનારી મંડળીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટની ખાનગી હોટલમાં આજે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં વાર્ષિક ટર્નઓવર રૂ. 843 કરોડનું થયું હોવાના આંકડા સામે આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 8.59 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020-21નો ચોખ્ખો નફો 9.61 કરોડ રૂપિયાનો થયો છે. દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંઘ અને ફેડરેશનના સંયુક્ત પશુ સંવર્ધન, સારવાર અને માવજત કાર્યક્રમોમાં વાર્ષિક રૂ.3.84 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી અને સહકારી આગેવાન જયેશ રાદડિયા અને રાજકોટ જિલ્લા સહકાર દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોરધન ધામેલીયા સહિતના ડિરેક્ટરો અને સહકારી આગેવાનો રહ્યા ઉપસ્થિત. જ્યારે કોરોનાને કારણે તમામ દૂધ મંડળીઓના સદસ્યો વર્ચ્યુઅલ હાજરી આપી હતી.
દૂધ ઉત્પાદકો માટે મોટી જાહેરાત
- દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે રૂ.6 લેખે 5.73 કરોડ મિલ્ક ફાઇનલ ભાવની રકમ ચૂકવવાની કરી જાહેરાત
- દૂધ સંઘે સરેરાશ કિલો ફેટનો ભાવ રૂ.665 ચૂકવેલ છે જે ગત વર્ષ કરતા રૂ. 9 વધારે ચૂકવ્યો છે
- દૂધ ઉત્પાદકો માટે અકસ્માત વીમા પ્રીમિયમ 100 ટકા લેખે 1.29 કરોડ ભોગવ્યો અને આ વર્ષે પણ અકસ્માત વીમા કવચ 10 લાખનું ચાલુ રાખવાની કરી જાહેરાત
- સભાસદ મંડળીઓને 15 ટકા લેખે રૂ.4.42 કરોડ શેર ડિવિડન્ડ ચૂકવવા જાહેરાત
- 1 વર્ષમાં 1 લાખ 40 હજાર લીટર દૂધ ભેળસેળયુક્ત
રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધમેલીયાએ જણાવ્યું હતું કે, એક વર્ષ દરમિયાન 1 લાખ 40 હજાર લીટર દૂધમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ડેરી પાસે 18 થી 19 જાતની ભેળસેળ પકડી શકાય તેવા મશીનરી ઉપલબ્ધ છે. જેમાં 1 વર્ષમાં 90 જેટલી મંડળીઓ ભેળસેળ કરતી હોવાનું સામે આવ્યું હતું. જેને અંદાજિત 30 લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. જોકે દૂધમાં ભેળસેળ જરા પણ નહીં ચલાવી લેવામાં આવે તેવી ખાત્રી આપી હતી.
યાર્ડની ચૂંટણીમાં સહકાર આપો રાજકારણ નહિ : જયેશ રાદડિયા
રાજકોટ સહિત 6 માર્કેટ યાર્ડની આગામી સમયમાં ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે સહકારી આગેવાન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, તમામ યાર્ડની ચૂંટણીઓ બિન હરીફ થાય અને સહકારી માળખું જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ માર્કેટ યાર્ડમાં ચેરમેન ડી.કે.સખીયાની સામે ભાજપનું જ એક જૂથ સક્રિય થયું છે. જે ચૂંટણી લડવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ જૂથવાદને પણ જયેશ રાદડિયા કઈ રીતે ઠારવાના પ્રયાસો કઈ રીતે કરે છે તે જોવું રહ્યું.