Video: રાજકોટમાં ટીપરવાનના ચાલકની બેદરકારીથી સફાઇ કામદારનું મોત
અન્ય વ્યક્તિની બેદરકારીના કારણે એક સફાઈ કામદારને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ટીપરવાનની અટફેટે સફાઈ કામદારનું મોત થતાં લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો.
રાજકોટઃ શહેરના રૈયાધાર વિસ્તારમાં મનપાની ટીપરવાનના ચાલકે એક પરિવારને નોંધારો કરી નાખ્યો. રૈયાધાર વિસ્તારમાં ટીપરવાનના ચાલકે જોયા વિના ટીપર વાન રિવર્સ લેતા એક સફાઈ કામદારને કચડી નાખ્યો જેમાં તેનું મોત નિપજ્યું. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં દેખાઈ રહ્યું છે કે ટીપરવાન જ્યાં રાખવામાં આવે છે ત્યાં આ સફાઈ કામદાર દેખાઈ રહ્યો છે. ત્યાં જ એક ટીપરવાન ચાલક ટીપર વાનને દિવાલની સાઈડ રિવર્સ લે છે અને આ સફાઈ કામદારને ટક્કર મારે છે. જેથી દિવાલ અને ટીપરવાન વચ્ચે આ સફાઈ કામદાર કચડાઈ જાય છે. જો કે જોવાની વાત એ છે કે ઘટના બાદ ટીપરવાનનો ચાલક ગાડીમાંથી બહાર નીકળીને કઈ થયું જ ન હોય તેમ ત્યાંથી ચાલ્યો પણ જાય છે. ઘટના બાદ મૃતકના સમાજના લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને મનપા કમિશનર સાથે તાત્કાલિક બેઠક કરીને મૃતકના પત્નીને કાયમી નોકરી અને મકાન આપવાની માગ કરી છે તો મૃતકના પત્નીએ પણ મનપા પાસે સહાયની માગ કરી છે.
જે ટીપરવાન ચાલકની બેદરકારીના કારણે સફાઈ કામદારનું મોત નિપજ્યું છે તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં આશરે 300 જેટલી ટીપરવાન કોન્ટ્રાક્ટ પર ચલાવવામાં આવી રહી છે. ત્યારે સફાઈ કામદારના મોત બાદ તંત્ર સાબદુ થયું છે અને કમિશનરે ખાનગી એજન્સી સામે તપાસના આદેશ આપી યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સાથે જ મૃતકના પરિવારની માગને સંતોષવાની ખાતરી આપવામાં આવી છે.
મનપાની બેદરકારીના કારણે મોત નિપજ્યાના આક્ષેપ બાદ ટીપરવાનના ડ્રાઈવર સામે ગુનો નોંધાયો છે. જો કે મહત્વની વાત એ છે કે આ પહેલા પર રાજકોટમાં ટીપરવાનની અડફેટે એક બાળકનું મોત નિપજ્યું હતું ત્યારે હવે વધુ એક સફાઈ કામદારના મોતથી ખળભળાટ મચી ગયો છે. ટીપરવાનની બેદરકારી છતાં એજન્સીની માન્યતા શા માટે રદ નથી કરાતી તે મોટો સવાલ થઈ રહ્યો છે. ત્યારે આ ઘટનામાં સફાઈ કામદારના પરિવારને ઝડપથી ન્યાય મળે તે જરૂરી છે.