ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ABVPના કાર્યકર્તાઓએ કાયદાને રોડ પર રેસ કરાવી હતી. વિદ્યાર્થી નેતાઓએ રેલીમાં સરેઆમ ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી નાંખી હતી. સતત ટ્રાફિકથી ધમધમતા રાજકોટના યાજ્ઞિક રોડ પર ખુલ્લેઆમ રોંગ સાઈડમાં એબીવીપીના કાર્યકર્તાઓએ કાર હંકારી હતી. એટલુ જ નહિ, કોટેચા ચોકમાં રસ્તા વચ્ચે કાર ઉભી રાખી ચક્કાજામ કર્યો હતો. ABVPના કાર્યકર્તાઓની મનમાનીથી વાહન ચાલકો પણ પરેશાન થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ABVP ની રેલીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ રેલીમાં સરેઆમ ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો કરતા જોવા મળ્યાં. એબીવીપીની રેલી નીકળી હતી ત્યારે વિદ્યાર્થી નેતાઓની જીપ યાજ્ઞિક રોડ પર ડિવાઈડર ટપાડી રોંગ સાઈડમાં બેફામ રીતે હંકારી હતી. જેને કારણે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. એટલુ જ નહિ, કોટેચા ચોકમાં રોડ વચ્ચે કાર ઉભી રાખીને  ટ્રાફિક જામ પણ કરાવ્યો હતો. 


આ પણ વાંચો : મોટો ઘટસ્ફોટ : મુદ્રેશ પુરોહિતના સૂર્યા ઓફસેટમાંથી વહે છે પેપર લીકની ગંગોત્રી


ત્યારે સવાલ એ છે કે, સામાન્ય લોકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવતી રાજકોટ પોલીસ આ મામલે કેમ મૌન છે? શું આવી રીતે ABVPના કાર્યકરોને નિયમો ભંગ કરવાનો પોલીસે હક આપ્યો છે. રોંગ સાઈડમાં કાર હંકારતા સામેથી આવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનત તો તે માટે કોણ જવાબદાર. સામાન્ય જનતાને માસ્ક ન પહેરવા પર અને ટ્રાફિકના નિયમો તોડવા પર તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવે છે તો શું આ વિદ્યાર્થી નેતાઓને નિયમો તોડવાનો ખુલ્લો પરવાનો આપી દેવાયો છે. 



આ મામલે ABVP રાજકોટના પ્રમુખ અંકિત નાઈ આ મામલે કંઈ પણ જાણતા હોવાનો ઈન્કાર કર્યો હતો. સાથે જ રેલી માટે પરવાનગી લીધી છે કે નહિ કે આવી કોઈ ઘટના બની હોય તે વાતથી પણ તેઓ અજાણ હતા. સાથે જ એબીવીપીએ આ રેલી કયા કારણોસર યોજી હતી તેનાથી પણ તેઓ અજાણ હતા. તેમણે કહ્યું હતું કે, અમે તાત્કાલિક ધોરણે આ મામલે પગલા લઈશું.