નવનીત લશ્કરી/રાજકોટ :રાજકોટ શહેરમાં ઘણા કિસ્સાઓ અંધશ્રદ્ધાના સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક બનાવમાં સાધુના વેશમાં આવેલ શખ્સે મહિલાને વિધિ કરવામાં બહાને કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી તેના ઘરમાંથી 19 તોલા જેટલા દાગીના તફડાવી લીધા હતા અને ફરાર થઈ ગયો હતો. જો કે મહિલાએ ભાનમાં આવી સમગ્ર મામલે પોલીસને જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચે એક નકલી સાધુની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બપોરે ઘરમાં એકલી રહેતી મહિલાઓને ટાર્ગેટ બનાવતો ચોર 
રાજકોટમાં વિધિના બહાને મહિલાઓને યેનકેન પ્રકારે ભોળવી સાધુના સ્વાંગમાં આવતી ચીટર ટોળકી રોકડ, ઘરેણાં તફડાવી જતા હોવાના બનાવો સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. થોડા સમય પહેલા જ આવા એક ઠગને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યાં વધુ એક બનાવ તારીખ 18 ઓગસ્ટના રોજ શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બનવા પામ્યો હતો. બાપા સીતારામ ચોક, રામનગર-1માં રહેતા હેતલ નિલેશભાઇ લાઠિયા નામના પરિણીતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તારીખ 18 ના રોજ બપોરે હું ઘરે હતી. ત્યારે એક સાધુ પાણી પીવાના બહાને ઘરે આવ્યા હતા. પાણી આપ્યા બાદ તે સાધુની વાતમાં આવી જતા પોતાને શારીરિક બીમારી હોવાની વાત કરી હતી. જેથી તે સાધુએ પોતે શારીરિક બીમારી દૂર કરી દેશે, પણ તેના માટે વિધિ કરવી પડશે અને તેના માટે મારે મારા દાગીના વિધિમાં રાખવા પડશે તેવું તેને કહ્યું હતું. સાધુની આ વાતમાં આવી જતા વિધિ કરવાની તૈયારી દર્શાવી હતી અને મેં મારા સોના-ચાંદીના 19 તોલા દાગીના તેની સામે રાખી મૂક્યા હતા. જે બાદ તેણે મને પાણી પીવડાવ્યું હતું. તે પાણી પી હું બેભાન થઈ ગઈ હતી અને જ્યારે હોંશ આવ્યો ત્યારે સામે રાખેલા ઘરેણાં ન હતા. જેથી પોતે છેતરાઈ જવાનો ખ્યાલ આવતા તાત્કાલિક ધોરણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આ નકલી સાધુની શોધ કરી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નકલી સાધુ વિહા બેચર પરમાર નામના શખ્સની કાલાવડ રોડ મોટા મૌવા ગામ પાસેથી ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી મહિલાના તફડાવેલ 19 તોલા દાગીના પણ કબજે કર્યા છે. 


ચોરી માટે ધાર્મિક મોડસ ઓપરેન્ડી 
રાજકોટ ઝોન-2 ના ડીસીપી મનોહરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, ચોરી માટે આ શખ્સે ધાર્મિક મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. આ શખ્સ સાધુ જેવો વેશ ધારણ કરતો હતો અને બપોરના સમયે જે ઘરમાં મહિલા એકલી હોય તેને શિકાર બનાવતો હતો. મહિલાને પોતાની વાતમાં ભોળવી વિધિનું બહાનું કરી તેને પાણીમાં કેફી પ્રવાહી પીવડાવી દેતો હતો અને જ્યારે મહિલા બેહોશ થઈ જાય ત્યાર બાદ ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ રફુચક્કર થઈ જતો હતો. આ શખ્સ જે ઘરને ટાર્ગેટ બનાવતો ત્યાંથી થોડે દૂર પોતાનું બાઇક રાખતો અને જ્યારે કામ પતિ જાય ત્યાર બાદ બાઇકવાળી જગ્યા પર પહોંચી ફરાર થઈ જતો હતો. હાલ પોલીસે આ નકલી સાધુ પાસેથી મહિલાના તફડવેલ સોના-ચાંદીના તમામ ઘરેણાં રિકવર કર્યા છે. તો બીજી તરફ આની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. 



હાલ તો પોલીસે નકલી સાધુની ધરપકડ કરી તેને અસલી ખાખીનો રંગ દેખાડી દીધો છે. તો બીજી તરફ જાહેર જનતાને અપીલ પણ કરી છે કે, આવા કોઈ પણ સાધુ, ભિક્ષુક, આપની પાસે કઈ માંગે તો આપવું નહિ અને કોઈ પણ વસ્તુ ખવડાવે તો ખાવું નહિ અને જો આવા જ સાધુનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવી.