રાજકોટ :લોકોમાં હવે અંગદાન વિશે જાગૃતિ આવવા લાગી છે. પોતાના સ્વજનોનું અંગદાન કરીને લોકોને નવજીવન આપવાનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે અકસ્માતમાં રાજકોટની એક મહિલાઓને ભોગ લેવાયો. ત્યારે તેમના પરિવારે તેમના અંગોનુ દાન કરીને પાંચ લોકોનુ જીવન બચાવવાનો નિર્ણય લીધો.  
 
29 જૂનના રોજ દમયંતીબેન તેમના પતિ ભરતભાઈ સુતરીયા સાથે અનિડા ગામે એક સંબંધીની સ્મશાન યાત્રામાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. ત્યારે નવા 150 ફૂટ રિંગરોડ પર બનાવાયેલું સ્પીડ બ્રેકર ભરતભાઈના ધ્યાન પર આવ્યુ ન હતું. તેથી તેમણે બેલેન્સ ગુમાવી દીધું હતું. જેના કારણે દમયંતીબેન રસ્તા ઉપર જ પટકાયા હતા. રસ્તા પર પટકાયા બાદ તેમના કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : બોરસદનું સ્વંયભૂ શિવલિંગનું સ્થળ બની ગયુ પિકનિક સ્પોટ, રોજ 5 હજાર લોકો આવે છે


આ પછી ત્યાંથી પસાર થતાં રાહદારીની ગાડી મારફતે તેમને સવા બે વાગ્યે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં દમયંતીબેનનું તાત્કાલિક ઓપરેશન કરી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ન નીવડી હોય તેવી રીતે ગઈકાલે દમયંતીબેનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.


માતા હોય કે પિતા કે પછી પરિવારનું કોઈ સભ્ય અણધારી વિદાય લે એટલે પરિવારજનો ભાંગી જ પડતાં હોય છે અને તેમના દુ:ખનો કોઈ પાર રહેતો નથી.  તેમાં પણ ખાસ કરીને માતા છોડીને ચાલ્યા જાય એટલે સંતાનો નિ:સહાય બની જતાં હોય છે આવામાં પણ દમયંતીબેનના પુત્રો કુલદીપ અને પ્રિન્સ તેમજ પતિ ભરતભાઈએ ભારે હૈયે દમયંતીબેનના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ તાત્કાલિક તબીબોએ દમયંતીબેનના અંગોની ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા શરૂ કરી હતી.


દમયંતીબેનના હૃદયનું દાન થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી તેમની બંને આંખો, કિડની અને લીવરનું દાન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.