ગૌરવ દવે, રાજકોટઃ એવું તો કયું કનેક્શન છે આ એજન્ટોનું એ અધિકારીઓ સાથે જે અરજદારોનું કામ ચપ્પલ ઘસાઈ જાય તો પણ નથી કરી આપતા અને એજન્ટોની મદદથી દરેક કામ ચપટીમાં પૂરાં થઈ જાય છે? સુશાસન અને પારદર્શક વહીવટ કરવાની જવાબદારી જે અધિકારીઓની છે એ જ બાબુઓ કેમ એજન્ટોને પ્રોત્સાહન આપી રહ્યા છે? અને એટલે જ ZEE 24 કલાક ઉઠાવી રહ્યું છે સવાલ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 કલાકે અનેક સરકારી કચેરીઓમાં સ્ટિંગ ઓપરેશન કર્યું છે. તમામ સ્ટિંગ ઓપરેશનમાં એક વાત સીધી રીતે આ એજન્ટો જ બતાવી રહ્યા છે કે, જનતાનું કોઈ નાનામાં નાનું કામ પણ આસાનીથી થતું નથી. ભ્રષ્ટ અધિકારીઓને પ્રસાદી ના ધરાવો તો તમારાં ચપ્પલ ઘસાઈ જાય પરંતુ તમારું કામ થતું નથી. રાજકોટમાં આવેલી મામલતદાર કચેરી ખાતે જે પણ એજન્ટો સક્રિય છે તે એ ભ્રષ્ટ અધિકારીઓ માટે કામ કરી રહ્યા છે જેમના પર આજ દિન સુધી સરકારનો કોરડો વિંઝાયો નથી.


જનતાના પ્રતિનિધિ બનીને ફરતા ધારાસભ્યો કે સાંસદો પણ જનતાને લૂંટવાના આ ખેલ સામે મૌન છે તે ગરીબ જનતા માટે ભ્રષ્ટાચારના ઘા પર મીઠું ભભરાવવા જેવી સચ્ચાઈ બની ગઈ છે. આ તમામ એજન્ટનોની ઉપર કોઈ અધિકારીનો જ હાથ છે જે આ કાળી કમાણીના માસ્ટર માઈન્ડ છે. વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે એજન્ટોને ખવડાવવા પડે છે પૈસા. અને આ એજન્ટો પછી એ પૈસાથી થપ્પી લઈને સરકારી બાબુઓને આપે છે ત્યારે થાય છે સરકારી કામ. 


રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટિલાળાએ જણાવ્યુંકે, લોકોને ન્યાય મળે એવા પગલાં અમે જરૂર લઈશું. આ પ્રકારે એજન્ટો ખોટી રીતે ગરીબો માટે પૈસા લેતા હોય તો એ ખોટી બાબત છે. અમારા માણસો સામાન્ય જનતાને ગાઈડ કરે છે. અધિકારીઓ પણ સહકાર આપે છે. એજન્ટ પ્રથા રાજકોટમાં છે નહીં. ત્યાં કોઈ એજન્ટો બેસેલાં હોતા નથી. છતાં લોકોને સુવિધા મળે એવા અમે પુરતા પ્રયાસ કરીશું.


રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યુંકે, આવા એજન્ટો તો વર્ષોથી સરકારી કચેરીઓ પાસે બેસતા હોય છે. પણ સરકારી એધિકારીઓ જો લોકોને કામ ન કરી આપતા હોય તો આ વસ્તુ વ્યાજબી નથી. ખાલી ફોર્મ ભરી આપતા હોય એજન્ટો તો બરાબર છે. પણ જો વધારે પૈસા લેતા હોય તો તે બાબત યોગ્ય નથી. આ પ્રકારે એજન્ટો પૈસા પડાવતા હોય તો એ વાત ખોટી છે.