ભોળી જનતાને મૂર્ખ બનાવતી રાજકોટની ચિરાયુ હોસ્પિટલ, પરમિશન વગર કોરોના સારવાર કરતી હતી
મનપા દ્વારા હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર લેતા 10 થી વધુ દર્દીને સારવાર અર્થે અન્ય જગ્યા પર ખસેડવામાં આવ્યા
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ મનપા દ્વારા ચિરાયુ હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે. આ હોસ્પિટલ મંજૂરી વગર કોરોના દર્દીને સારવાર આપતા હોવાનું તંત્રની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આી છે. ખાનગી હોસ્પિટલમાં સારવારના ચેકિંગ દરમિયાન ચિરાયુ હોસ્પિટલની પોલ ખુલ્લી પડી છે. એક તરફ, રાજકોટમાં કોરોનાના કેસ અને મૃત્યુ બંને વધી રહ્યાં છે. આવામાં ભોળી જનતા પીસાઈ રહી છે. જો આમ ને આમ ચાલતુ રહેશે તો રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક વધી શકે છે. તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધી શકે છે.
આ પણ વાંચો : સુરત પોલીસનું નાઈટ પેટ્રોલિંગમાં કારસ્તાન, video જોઈને લોકો કરવા લાગ્યા થૂંથૂં
હોસ્પિટલની મનમાની
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ અને મૃત્યુ આંકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વધતા કેસો અને મૃત્યુ આંકને લઇ આરોગ્ય વિભાગ અને લોકો બંનેમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે લેભાગુ તબીબો અને હોસ્પિટલ સંચાલકો મહામારીમાં લોકોનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. રાજકોટના કુવાડવા રોડ પર ચિરાયુ હોસ્પિટલમાં કોવિડ કેરની પરવાનગી વગર કોરોના દર્દીને સારવાર આપતા હોવાનું સામે આવ્યું છે. જેથી મનપા દ્વારા હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે. એ સાથે હોસ્પિટલમાં સારવાર લેતા 10 થી વધુ દર્દીને સારવાર અર્થે અન્ય જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રેલવે કર્મચારીઓ માટે આજીવન લડત આપનાર માહુરકર દાદાનું નિધન, સમયસર સારવાર ન મળતા કારમાં દમ તોડ્યો...
નોટિસ મોકલીને સંતોષ માનતુ તંત્ર
એક તરફ લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે, તો બીજી તરફ ખાનગી હોસ્પિટલના સંચાલકો તબીબો લોકોના આરોગ્યની ચિંતા કરવાના બદલે પોતાનો સ્વાર્થ સેવી રહ્યા છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલોની મનમાની ફરિયાદ નિવારવા અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ તેમ છતા તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવા બદલે માત્ર નોટિસ પાઠવી સંતોષ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : SSG હોસ્પિટલના પેસેજમાં કલાકો સુધી રઝળી કોરોના દર્દીની લાશ, કોઈએ PPE કીટ પણ ન પહેરાવી
આજે 27 દર્દીઓના મોત
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આજે મંગળવારે કોરોનાથી 27 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં 14 દર્દીઓ રાજકોટ શહેરના, 5 દર્દીઓ રાજકોટ ગ્રામ્ય અને અન્ય જિલ્લાના 3 દર્દીઓનો સમાવેશ થાય છે. જોકે, આમાં અંતિમ નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે કે, આ મૃત્યુ કોરોનાથી છે કે અન્ય બીમારી તેનો નિર્ણય લેવામા આવશે.