શેરી શિક્ષણનો યુગ ફરી આવ્યો : રાજકોટમાં ગરીબ બાળકો માટે શરૂ થયા ઓપન ક્લાસ
- રાજકોટ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિનું ઉમદા કાર્ય
- મ્યુનિ. સ્કૂલોના શિક્ષકો પછાત વિસ્તારના બાળકોને આપી રહ્યા છે શેરી શિક્ષણ
- ધો.2 થી 8માં ખાનગી સ્કૂલો છોડી 3500 વિદ્યાર્થીઓએ મનપાની સ્કૂલમાં એડમિશન લીધા
ગૌરવ દવે/રાજકોટ :રાજ્યભરમાં શાળાઓ બંધ છે અને બાળકો ઓનલાઈનથી કંટાળ્યા છે, ત્યારે રાજકોટ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એક ઉમદા કાર્ય કર્યું છે. વર્ષે ધોરણ 2 થી 8 માં ખાનગી સ્કૂલો છોડીને લિવિંગ સર્ટિફિકેટ લઈને 3500 વિદ્યાર્થીઓ મનપાની સ્કૂલોમાં એડમિશન લીધું છે. કોરોના કાળમાં સ્કૂલો બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે પછાત વિસ્તારની મ્યુનિ. સ્કૂલોના બાળકોને ગાર્ડનમાં શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.
આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું કે, ઓનલાઈન શિક્ષણ કેટલાક કારણોથી સરકારી શાળામાં ભણતા બાળકો માટે ઓનલાઈન ભણવું ભારે મુશ્કેલ છે. આવા સમયમાં અમે સ્કૂલો તો ખોલી શકીએ નહિ, પણ બાળકો ગાર્ડન, મહોલ્લામાં, શેરીમાં અભ્યાસ કરાવવા શિક્ષકો અને શિક્ષિકાઓ જઇ રહ્યા છે. મોટાભાગે ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગથી આવતા હોય છે. તેઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શેરી શિક્ષણ શરૂ કર્યું છે.
રહેણાંક વિસ્તારમાં જ શિક્ષણ
રાજકોટની સરકારી પ્રા.શાળાના શિક્ષકો જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના બાળકોના રહેણાંક વિસ્તારમાં જ જાય છે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે બાળકોનું નાનકડું જૂથ બનાવે છે અને ખુલ્લી શેરીમાં શેતરંજી પાથરીને કે ઘરમાં ખાટલે બેસીને, ફળિયામાં બેસીને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું છે. જેને વાલીઓ, બાળકોએ આવકાર્યું છે. આસપાસના વિસ્તારોના ગરીબ પરિવારના બાળકોને ગાર્ડનમાં બેસાડીને શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે.