રાજકોટ ભાજપમાં ‘નજર હટી તો દુર્ઘટના ઘટી’ જેવો માહોલ, હાર્દિક પટેલની છે ચાંપતી નજર
‘અમને પાટીદાર નેતા જોઈએ...’ની રાજકોટ ભાજપમાં ઉઠી માંગ. સી.આર.પાટીલની નિયુક્તિ પછી સંગઠનમા પાટીદાર નેતાને પદ મળે તેવો સૂર સૌરાષ્ટ્રમાંથી ઉઠ્યો છે
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના નાના મવા રોડ પર આવેલ સરદારધામ ખાતે ગઇકાલે લેઉવા અને કડવા પાટીદાર સમાજના લોકોની એક બેઠક મળી હતી. પ્રદેશ ભાજપમાં અધ્યક્ષ પદે બિનપાટીદાર સી.આર.પાટીલ (cr patil) ની નિયુક્તિ બાદ નવા મવડી મંડળમાં પાટીદાર સમાજને સમાવેશ માટે બેઠક મળી હતી. રાજકોટ ભાજપ સંગઠનમાં હાલ પ્રમુખ અને ત્રણ મહામંત્રીમાં એક પણ પાટીદાર (patidar) નથી. જેથી હવે નવી સંગઠનની ટીમ બને તેમાં પાટીદારને સ્થાન મળે તે માટે ભાજપના લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનોએ સરદાર ધામ ખાતે બેઠક કરી હતી અને પાટીદારોનો અવાજ ઉપર સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો : ગેસ બિલમાં રાહત આપવાની ગુજરાત સરકારની જાહેરાત
વર્તમાન રાજકોટ શહેર ભાજપની જે ટીમ છે, તેમાં પણ મહત્ત્વની જવાબદારીમાંથી એક પણ જવાબદારી પર પાટીદાર નેતા પાસે નથી. તેથી હવે નવી ટીમ જાહેર થાય તેમા પાટીદારને રાજકોટ શહેરમાં મહત્ત્વની જવાબદારી મળે તે માટે અત્યારથી પાટીદાર સંગઠનોએ તૈયારી શરૂ કરી છે. બેઠકમાં હાજર ભાજપના આગેવાન જયંતી સરધારાએ જણાવ્યું હતું કે, ભાજપ સંગઠનમાં પાટીદારોને મહત્ત્વનું પદ મળે તે માટે બેઠક બોલાવી હતી. કોઇ વિરોધ કે અસંતોષ જેવી કોઇ વાત નથી, પરંતુ યોગ્ય વાત ઉપર સુધી પહોંચે તે માટે આગેવાનો એકત્ર થયા હતા.
આમ, પ્રદેશ અધ્યક્ષમાં બિન પાટીદાર સી.આર.પાટીલની નિયુક્તિ પછી સંગઠનમા પાટીદાર નેતાને પદ મળે તેવો સૂર સૌરાષ્ટ્રમાંથી ઉઠ્યો છે. કોઇ વિરોધ કે અસંતોષ નહિ, પરંતુ પણ પાટીદાર નેતાને યોગ્ય સ્થાન મળે તે માટે આ બેઠક મળી હોવાનુ બહાર આવ્યું છે. જૂથવાદ અને નારાજગી વચ્ચે પાટીદાર સમાજને મંડળમાં યોગ્ય સ્થાન માટે ચર્ચા થઈ હતી. તો આ વચ્ચે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનો મોટો રોલ ઉભરી રહ્યો છે.
આ પણ વાંચો : સુરત પોલીસનું નાઈટ પેટ્રોલિંગમાં કારસ્તાન, video જોઈને લોકો કરવા લાગ્યા થૂંથૂં
ભાજપથી નારાજ નેતા પર હાર્દિક પટેલની નજર
રાજકોટમાં તાજેતરમાં પાટીદાર કોર્પોરેટરે ભાજપમાંથી રાજીનામું આપી હાર્દિક પટેલની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ સમયે અન્ય પાટીદાર આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે, હજુ વધુ ચારથી પાંચ કોર્પોરેટર તેમજ અન્ય ભાજપથી નારાજ થયેલા આગેવાનો અમારા સંપર્કમાં છે. આ સાથે જ હાર્દિક પટેલ અને તેની ટીમ ભાજપથી નારાજ પાટીદારો પર ખાસ નજર રાખી રહી છે. ભાજપથી નારાજ નેતા પર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની ચાંપતી નજર છે.