રાજકોટ : છેલ્લા ઘણાં સમયથી રેલવેમાં મુસાફરી દરમિયાન ટ્રેનમાં સૂઈ ગયેલા અને બાંધકામ સાઈટ પર શ્રમિકોના મોબાઈલ ચોરીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. પોલીસ આ વિચિત્ર ગેંગને ઘણાં સમયથી શોધી રહી હતી અને અંતે આ ચોર બેલડી પોલીસ સકંજામાં સપડાઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસે એવા બે શખ્સોની ધરપકડ કરી છે જે માત્રને માત્ર મોબાઈલની જ ચોરી કરતાં હતાં. આ ચોર બેલડી રેલવેમાં મુસાફરી દરમિયાન ટ્રેનમાં સૂઈ ગયેલા અને બાંધકામ સાઈટ પર શ્રમિકોના જ મોબાઈલની ચોરી કરતી હતી. રાજકોટ ક્રાઈમબ્રાંચે આ બંનેની ધરપકડ કરી તપાસ કરતાં 18 મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. 


ચોરીના 18 મોબાઈલ જપ્ત 
શોએબશા ઇબ્રાઇમશા સોરવદી અને રાધે ઉર્ફે રાની પંકજ પરમાર. આ બન્ને શખ્સો પર આરોપ છે મોબાઇલ ચોરીને અંજામ આપવાનો. રાજકોટ પોલીસ કમિશ્નરે મોબાઇલ ચોરીનાં બનાવોનું ડિટેક્શન કરવા માટેની ક્રાઈમબ્રાંચને સૂચના આપી હતી. જેને લઈ પોલીસે અલગ અલગ ટીમને કામે લગાડી હતી. પોલીસને બાતમી મળી કે જંક્શન મેઈન રોડ પર બે શખ્સ શંકાસ્પદ હાલતમાં દેખાય છે અને તેની પાસે ચોરીના મોબાઈલ છે. બસ પોલીસે વોચ ગોઠવીને શોએબશા ઇબ્રાઇમશા સોરવદી અને રાધે ઉર્ફે રાની પરમાર પસાર થતા અટકાયત કરી હતી અને બંનેની પૂછપરછમાં તેણે 18 જેટલા મોબાઈલની ચોરી કર્યાની કબૂલાત આપી. 


મોબાઈલનું પેટર્ન લોક તોડવામાં માહેર આરોપી
પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે બંને શક્સો બાંધકામ સાઈટ પર કામ કરતાં શ્રમિકો રાત્રિના સમયે ઉંઘી ગયા હોય ત્યારે નજર ચૂકવીને મોબાઈલ સેરવી લેતા હતાં અને રેલવેમાં મુસાફરી કરતા સમયે ટ્રેનમાં સૂઈ ગયેલા લોકોના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતાં. બેમાંથી એક આરોપી રાધે ઉર્ફે રાની પરમાર જંગલેશ્વર વિસ્તારમાં રહે છે અને તેનો સાગરીત શોએબશા ઈબ્રાઈમશા સોરવદી મોબાઈલનો પેટર્ન લોક તોડવામાં માહિર હોવાનું સામે આવ્યું છે. મોબાઈલ પેટર્ન લોક તોડવાની આવડતના કારણે જ તે ચોરીના મોબાઈલને ફરી શ્રમિકોને ઓછી કિંમતે વેચી દેતો હતો. 


બંને આરોપીઓ અગાઉ મારામારી અને ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ હાલ તો પોલીસે ટેક્નિકલ સોર્સની મદદ લઇને મોબાઇલ કબજે કર્યા છે. પોલીસે કબજે કરેલા ચોરાઉ મોબાઇલ મૂળ માલિકને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તસ્કર બેલડીને હાલ જેલનાં સળિયા ગણતા કરી દીધા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube