રાજકોટ : રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના આદેશ બાદ શહેરમાં આવેલા તમામ સ્પા સેન્ટર્સ પર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 200 પોલીસ કર્મચારીઓની ફોજ  ઉતારી દેવામાં આવતા સ્પા સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. રાજકોટ પોલીસ દ્વારા આ સૌથી મોટુ ઓપરેશન હાથ ધરાયું છે. દરોડામાં ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત સ્થાનિક પોલીસની ટીમનો પણ સાથ લેવામાં આવ્યો હતો. પોલીસની 8થી 10 ટીમ બનાવવામાં આવી હતી. શહેરમાં રહેલા 35થી વધારે સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરોડા અંગે પોલીસે જણાવ્યું કે, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની માહિતીથી ક્રાઇમ બ્રાન્ચ, એશઓજી અને સ્થાનિક પોલીસ સહિત 200 પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ કામગીરી ચાલી રહી છે. કોઇ ગેરરીતિ ઝડપાય તેવી પરિસ્થિતીમાં દંડ ઉપરાંત કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રજીસ્ટ્રેશનથી માંડીને પોલીસ વેરિફિકેશન સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવી રહ્યા છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ અધિકારીઓને પણ સાથે રાખવામાં આવી છે. સ્પાની આડમાં કોઇ અન્ય પ્રવૃતિ તો નથી આચરવામાં આવી રહી તે અંગેની પણ તપાસ ચાલી રહી છે. ઉપરાંત સ્પામાં કામ કરતા કર્મચારીઓ સ્થાનિક હોય તો કોઇ સવાલ નથી પરંતુ વિદેશી હોય તો તેનું વેરિફિકેશન પણ જોવામાં આવી રહ્યું છે.