રાજકોટ : શહેરના રામનાથપરા પોલીસલાઇનમાં રહેતો અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતો કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી મંગળવારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાનાવસ્થામાં મળી આવી હતી. બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જો કે આ અંગે ફરિયાદ બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ દાખલ થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદી મહિલા કોન્સ્ટેબલના જણાવ્યા અનુસાર રાશિદ મહિલા કોન્સ્ટેલનો ફોન નંબર મેળવી તેને વારંવાર ફોન કરીને જાતીત સતામણી કરતો હતો. આ ઉપરાંત જો મારું કહ્યું નહી કરે તો તમે સમાજ અને પોલીસ શાખામાં બદનામ કરી દઇશ તેવી ધમકી પણ આપતો હતો. મહિલા કોન્સ્ટેબલની ઇચ્છા વિરુદ્ધ તેને વારંવાર મળવાનો પ્રયાસ કરતો હતો. 


રાશિદ અને મહિલા એક જ પોલીસ સ્ટેશનમા હોવાથી સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ રાશિદ વારંવાર રોલકોલ દરમિયાન અને ડ્યુટી દરમિયાન મળવાનો અને વાતો કરવાનો પ્રયાસ કરતો હતો. જો કે હાલ તો આ મહિલાને ગળેટુંપો આપીને મારવાનો પ્રયાસ થયો કે મહિલાએ ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો તે સૌથી મોટો સવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાશિદ નામના આ પોલીસ કોન્સ્ટેબલનો ભુતકાળ પણ ખરડાયેલો છે. તે અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના કેસમાં પણ રાશિદની સંડોવણી ખુલી હતી. હાલ તો તેની ટ્રાફિક શાખાના હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઇ છે.