Rajkot Crime News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટમાં ખોટી ઓળખાણ આપી  સોનાના દાગીના પડાવ્યાની ઘટના સામે આવી છે. રાજકોટમાં બે વૃદ્ધાઓને સંબધીની ઓળખાણ આપી સોનાના ઘરેણાં લઈને ગઠિયો રફુચક્કર થઈ ગયાની ઘટનાઓ સામે આવી છે. જેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગઠિયાની ધરપકડ કરી છે. જો કે પૂછપરછમાં અન્ય 8 ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. ગોંડલ રોડ પર ગીતા નગર વિસ્તારમાં પોસ્ટ ઓફિસના નિવૃત્ત કર્મચારીના ઘરમાં ઘૂસી ખોટી ઓળખ આપી નજીકમાં જ મકાન લીધો હોવાનું કહ્યું હતું. વૃદ્ધાને વિશ્વાસમાં લઈ ઘરે પ્રસંગ હોવાથી બહેન માટે બંગડી બનાવવા માટે નમૂના તરીકે તેમની બંગડી માંગી હતી. મોકો જોઈને 1 લાખની સોનાની બંગળી લઈને જૂનાગઢનો રહેવાસી નિમિષ ઉર્ફે નૈમિશ પુરોહિત ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે તેને સંકજામાં લઈને આગળની તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં દિન-પ્રતિદિન લુખ્ખાઓ અને લૂંટારાઓ બેફામ બન્યા છે. અવનવા કીમિયાઓ અપનાવી લૂંટ કે ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે રાજકોટમાં બે વૃદ્ધાઓને સંબધીની ઓળખાણ આપી સોનાના ઘરેણાં લઈને ગઠિયો રફુ ચક્કર થઈ જતા આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ભેજાબાદ ગઠીયાની ધરપકડ કરી બે ગુનાના ભેદ ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ આ ગઠિયો 8 ગુનાને અંજામ આપી ચૂક્યો છે. 


રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ગીતા નગર વિસ્તારમાં રહેતા પોસ્ટ ઓફિસના નિવૃત્ત કર્મચારીના ઘરમાં એક યુવક આવ્યો હતો. તેણે પરિવારના સદસ્યોને કહ્યુ હતું કે, ‘હું તમારા ગામના કાંતિભાઈ પંડ્યાનો પુત્ર છું અને અમે અહીં નજીકમાં જ મકાન લીધું છે અમારા ઘરે પ્રસંગ છે અને તે પ્રસંગનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. તેમજ મારી બહેનને તમારા જેવી બંગડી બનાવી છે. નમુના તરીકે આપો.’ તેમ કહી અંદાજે ૧ લાખ રૂપિયાની સોનાની ચાર બંગડી લઈ આ ગઠિયો રફુચક્કર થઈ ગયો હતો. જેથી આ બનાવમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે જૂનાગઢનો રહેવાસી ભેજાબાજ નિમિષ ઉર્ફે નૈમિશ પુરોહિતને (ઉ. વ.૫૨) રાજકોટના લીમડા ચોક ખાતેથી ઝડપાયો છે. પોલીસે આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી બે લાખની કિંમતની આઠ બંગડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 


ભેજાબાજ નિમિષ લોકોને શું કહેતો
લોકોના ઘરે જઈને તેમને છેતરતો નિમિષ કહેતો કે, અમે તમારા ઓળખીતા છીએ, અમે સસ્તામાં દાગીના બનાવી આપીશું. આવા અનેક બહાના આપી ભેજાબાજ નેમિષ પુરોહિત વૃદ્ધાઓનો વિશ્વાસ કેળવી તેમના સાથે વિશ્વાસઘાત કરતો હતો. અગાઉ પણ આ આરોપીએ રૂલર વિસ્તારમાં અનેક વૃદ્ધાઓને પોતાના ટાર્ગેટ બનાવ્યા હતા. આ ભેજાબાજ વૃદ્ધાઓને વિશ્વાસમાં લઈ તેના સાથે છેતરપિંડી કરતો હતો. 


ઘરમાં એકલી વૃદ્ધાઓને ટાર્ગેટ બનાવતો 
આ ભેજાબાજ ગઠિયો એકલા રહેતા વૃદ્ધાઓ અથવા કોઈ ઘરમાં એકલા વૃદ્ધા જોઈ તેમની પાસે જઈ કોઈપણ રીતે ખોટી ઓળખાણ ઉભી કરતો. પછી પોતાની ઓળખાણ સંબંધી તરીકે આપતો. તે મહિલાઓનો વિશ્વાસ કેળવી લેતો હતો અને બાદમાં સોનાના ઘરેણા લઈ ત્યાંથી રફુચક્કર થઈ જતો હતો. આ ભેજાબાજ ગઠિયો અત્યાર સુધીમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં રાજકોટ, ઉપલેટા, ધોરાજી સોમનાથ અને પોરબંદરમાં કુલ ૮ વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ઝડપાયેલા ગઠિયાની ક્રાઈમ બ્રાન્ચે આગવી ઢબે પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે તાજેતરમાં જ રાજકોટમાં રહેતા બે વૃદ્ધા તેમજ પોરબંદરના બસ સ્ટેન્ડ નજીક પણ ૨૩/૧૦/૨૦૨૨ના રોજ એક વૃદ્ધા પાસેથી બંગડી મેળવી છેતરપિંડી કરી હોવાની કબુલાત આપી હતી.