ઝી બ્યુરો/ગોંડલ: ‘મરચું તો ગોંડલનું..’ મસાલાની સિઝન શરૂ થાય ત્યારે માર્કેટમાં આ વાક્ય ઘણીવાર સાંભળવા મળે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકના રેશમપટ્ટો તથા ઘોલર મરચાંનો મસાલા માર્કેટમાં 30 વર્ષથી દબદબો છે. જો કે રેશમપટ્ટા અને ઘોલરને હવે લાલ મરચાની અન્ય સંશોધિત જાત ‘સાનિયા’ ઓવરટેક કરી રહી છે. રંગ અને તીખાશ બંનેની ઊંચી વેલ્યૂ ધરાવતા લાલ સૂકાં મરચાંની માગ માર્કેટમાં વધી રહી છે. જેના પગલે આ બંનેનો સુમેળ ધરાવતી સાનિયા ઉપરાંત ઓજસ, રેવા, ૭૦૨ મરચાંનું વાવેતર, ઉત્પાદન અને વેચાણ વધી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રાજકોટ જિલ્લાનો ગોંડલ પંથક લાલ મરચાંના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રક્રમે છે. જિલ્લામાં લાલ મરચાંનો વાવેતર વિસ્તાર આશરે ચાર હજાર હેક્ટર જેટલો છે. ગુજરાત સરકાર દ્વારા નર્મદાનાં મીઠાં જળ પૂરા પડાતાં, તેમજ વધુ ઉત્પાદન અને સારા ભાવ મળતાં હોવાથી હાઇબ્રિડ સૂકા મરચાનું વાવેતર વધી રહ્યું છે. રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાઓ સાથે જામનગર, મોરબી, અમરેલી જિલ્લામાં પણ લાલ મરચાંનું ઉત્પાદન થવા લાગ્યું છે.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાં વેચવા આવેલા ખેડૂત વિઠ્ઠલભાઈ શંભુભાઈ રાદડિયા કહે છે કે, તેઓએ આ વર્ષે પહેલીવાર હાઇબ્રિડ સાનિયા મરચાનું વાવેતર કર્યું હતું અને ઉત્પાદન સારું થયું છે. મરચાંની ખેતીમાં ઉત્પાદન અને વળતર સારું મળતું હોવાથી તેઓ આ ખેતી તરફ વળ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. 



એકતરફ ગૃહિણીઓમાં તૈયાર મસાલા લેવાનું ચલણ વધી રહ્યું છે, બીજી તરફ નમકીન, ફ્રાઈમ્સ સહિતના પેકેટ-ફૂડ્સ તથા ફાસ્ટ ફૂડ ઇન્ડસ્ટ્રી વિકસી રહી છે. જેના કારણે લાલ સૂકાં મરચાં પાવડરની માગ વધી રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની લેબોરેટરીના એગ્રોનોમિસ્ટ શ્રી પ્રદીપ કાલરિયાના જણાવ્યા પ્રમાણે, ફૂડ, મસાલા ઈન્ડસ્ટ્રીને રંગ અને તીખાશ બંને વધુ હોય તેવા લાલ સૂકાં મરચાં જોઈતા હોય છે. તેનું કારણ એ છે કે, મરચાં પાવડર પડતર રહે તેમ તેનો રંગ અને તીખાશ ઘટે છે. આથી ઊંચી તીખાશ અને રંગ વેલ્યૂ ધરાવતા મરચાંની માગ વધુ રહે છે. આથી સાનિયા, ઓજસ, રેવા, ૭૦૨ જેવા હાઇબ્રિડ મરચાંની જાતોનું વાવેતર વધી રહ્યું છે. 



તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વિધા દીઠ મરચાંના ઉત્પાદનમાં ગોંડલ પંથકના ખેડૂતો સૌથી આગળ છે. સામાન્ય રીતે એક વિઘે આશરે ૩૦ મણ મરચાં ઉત્પાદન થતું હોય છે. પરંતુ ગોંડલ પંથકમાં આશરે ૪૦-૫૦ મણ મરચાંનું ઉત્પાદન થાય છે. તેનું કારણ એ છે કે, ગોંડલ પંથકના ખેડૂતો મહેનતુ તો છે જ, સાથે નવી ટેક્નોલોજી, સંશોધનોને અપનાવવામાં પણ અગ્રેસર છે. આપણે ત્યાંના મરચાંની ઝાઝી નિકાસ થતી નથી. તેનું કારણ એ છે કે, દેશ અને વિદેશની માર્કેટમાં તીખા મરચાં – હોટ પાઈપરની માગ વધુ છે. મરચાંની તીખાશ એસ.એચ.યુ. (સ્કોવિલે હિટ યુનિટસ્)માં મપાય છે. માર્કેટમાં નિકાસ માટે ૯૦ એસ.એચ.યુ. વાળા મરચાંની માગ હોય છે. જ્યારે ગોંડલ પંથકના મરચાંની એસ.એચ.યુ. ૩૦થી ૫૦ આસપાસ હોય છે.  


દિવસે-દિવસે મસાલા ઉદ્યોગ વિકસી રહ્યો છે, ફૂડ ઈન્ડસ્ટ્રી વિકસી રહી છે, ત્યારે મરચાંની ખેતીનું ભવિષ્ય ઉજ્જવળ છે, એમ તેમણે ઉમેર્યું હતું. હાલ ગોંડલ માર્કેટીંગ યાર્ડના ૧૦૦ કિલો મરચાંના આશરે ૪૦૦૦ રૂપિયાથી લઈ અને ૨૫ હજાર રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેતપુર, કોટડાસાંગાણી, ગોંડલ, રાજકોટ અને જામકંડોરણા તાલુકાના તેમજ જૂનાગઢ અને જામનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાં વેચવા માટે આવતા હોય છે.  ગોંડલના મરચાંની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ આંધ્રપ્રદેશ, તેલંગણા સહિતના દક્ષિણા કેટલાક રાજ્યોમાં પણ છે. જેથી ગુજરાત ઉપરાંત બહારના રાજ્યના વેપારીઓ પણ ગોંડલમાં ખરીદી માટે આવતા હોય છે.



ગોંડલ યાર્ડમાંથી ૧૦ માસમાં ૧૨૦ કરોડનાં સૂકા મરચાં વેચાયાં
ગોંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરીશ્રી તરૂણ પાચાણી જણાવે છે કે, હાલ સાનિયા મરચા વેચાણ માટે વધુ આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૨ના એપ્રિલથી લઈને જાન્યુઆરીના અંત સુધીમાં ગોંડલ યાર્ડમાંથી ૧૨૦ કરોડ રૂપિયાથી વધુનાં સૂકાં મરચાનું વેચાણ થયું છે. જેમાં સૂકો પટ્ટો મરચાંનું વેચાણ રૂપિયા ૧૧૭ કરોડથી વધુનું છે. જ્યારે દેશી મરચાંનું વેચાણ રૂપિયા ૩ કરોડ જેટલું જ છે. ચાલુ સિઝનની વાત કરીએ તો, ગોંડલ યાર્ડમાં ૬૦ હજાર ક્વિન્ટલ જેટલાં હાઇબ્રિડ સૂકા પટ્ટા મરચાં (સાનિયા, ઓજસ, રેવા, ૭૦૨, રેશમપટ્ટો સહિતની જાતો)ની આવક થઈ છે. 


ગુજરાત સરકાર બિયારણ, પ્લાસ્ટિક મલ્ચિંગ માટે સહાય-સબસિડી આપે છે
ગુજરાત સરકાર દ્વારા હાઇબ્રિડ બિયારણ માટે ખેડૂતોને રૂપિયા ૨૦ હજાર પ્રતિ હેક્ટર દીઠ સબસિડી આપવામાં આવે છે. જ્યારે પ્લાસ્ટિક મલ્ચિંગ માટે પ્રતિ હેક્ટર રૂપિયા ૨૦,૮૦૦ની સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવે છે. રાજકોટ જિલ્લા બાગાયત નિયામક આર.કે. બોઘરાના નેતૃત્વમાં ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં રાજકોટ જિલ્લામાં આશરે ૧૭૦૦ જેટલા ખેડૂતોને હાઇબ્રિડ બિયારણમાં સહાય અપાઈ છે. 


જ્યારે પ્લાસ્ટિક મલ્ચિંગ માટે આશરે ૫૦૦ જેટલા ખેડૂતોને સહાય આપવામાં આવી છે. ખેડૂતો ઘરઆંગણે નાનું પ્રોસેસિંગ યૂનિટ નાખવા ઈચ્છતા હોય તો, રૂપિયા એકલાખ સુધીની સહાય અપાય છે. જ્યારે મોટી મશીનરી માટે પી.એમ. ફ્રૂટ મેંગો એનર્જી યોજના અંતર્ગત ૧૦ લાખ રૂપિયા સુધીની સહાય અપાય છે, તેમ સહાયક બાગાયત નિયામક શ્રી હિરેન ભીમાણીએ જણાવ્યું હતું.