Rajkot: રાજકોટમાં આઈટીના સૌથી મોટા દરોડા, RK ગ્રુપ પાસેથી કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા
રાજકોટના જાણીતા બિલ્ડર આર.કે ગ્રૂપ પર મંગળવારે વહેલી સવારે આવક વેરા વિભાગના અધિકારીઓએ દરોડા કર્યા છે. રાજકોટ અને અમદાવાદ વિભાગના એન્ફોર્સમેન્ટ વિંગના 200 જેટલા અધિકારીઓએ બિલ્ડીંગ સાઇટો, ઓફિસો અને રહેઠાણો પર દરોડા કરી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ગૌરવ દવે, રાજકોટઃ કોરોના મહામારી વચ્ચે બે વર્ષ બાદ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન આવકવેરા વિભાગ દ્વારા રાજકોટ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ રાખી 300 જેટલા અધિકારીઓના કાફલા સાથે રાજકોટમાં જાણીતા આર.કે ગ્રુપ બિલ્ડર, ફાઇનાન્સર અને કોન્ટ્રાકટરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 100 કરોડના બિન હિસાબી વ્યવહારો સામે આવ્યા છે. હજુ પણ લગભગ 4 દિવસ સુધી સર્વેની કામગીરી ચાલે તેવી શક્યતા સેવાઈ રહી છે. 45 જેટલા સ્થળોએ ચાલતા સર્ચ ઓપરેશનમાં પ્રથમ દિવસે 4 કરોડ જેટલી રોકડ રકમ, બિનહિસાબી વ્યવહારો અને કાચી ચીઠી પણ થતા વ્યવહારો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજકોટના જાણીતા બિલ્ડર આર.કે ગ્રૂપ પર મંગળવારે વહેલી સવારે આવક વેરા વિભાગના અધિકારીઓએ દરોડા કર્યા છે. રાજકોટ અને અમદાવાદ વિભાગના એન્ફોર્સમેન્ટ વિંગના 200 જેટલા અધિકારીઓએ બિલ્ડીંગ સાઇટો, ઓફિસો અને રહેઠાણો પર દરોડા કરી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આર.કે. ગ્રુપ અને ગંગદેવ ગ્રુપ સાથે જોડાયેલા ભાગીદારો અને કોન્ટ્રાકટરોની ઓફિસ, રહેણાંક મકાન સહીતના 45 જેટલી જગ્યા પર દરોડા કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2018 બાદ આવકવેરા વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન રાજકોટમાં હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના જાણીતા બિલ્ડર ગ્રુપ અને ફાઇનાન્સર પર છેલ્લા એક વર્ષથી કરવામાં આવતી વોચ બાદ આવકવેરા વિભાગ દ્વારા એકાએક આવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આર.કે. ગ્રુપના સર્વાનંદભાઈ સોનવાણી, જયેશભાઈ સોનવાણી, કમલભાઈ, બ્રિજલાલભાઈના રહેણાક અને ઓફિસ પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ સાથે આર.કે. ટ્રેડિંગ અને કુવાડવા રોડ પર આવેલ બે મિલમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સર્ચ દરમ્યાન તેમના અન્ય ભાગીદારો, કોન્ટ્રાકટરો સાથે સાથે કાચી ચીઠી પર થતા રોકડ વ્યવહારોની વધુ વિગત સામે આવી છે. અંદાજિત 100 કરોડના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા હોવાનું આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. 4 કરોડની રોકડ અને 2 કિલો કરતા વધુ સોનાના દાગીના મળી આવ્યા છે. હાલ પણ 3 થી 4 દિવસ સુધી આ મેગા સર્ચ ઓપરેશન ચાલે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને કારણે બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ રાજ્યના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરાશે
રાજકોટના આર.કે. ગ્રુપ ની સાથે સાથે ટ્રીનીટી ટાવર અને ભાગીદાર કિંજલ ફળદુની ઓફિસમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહિ રેસકોર્સ નજીક સેન્ડી ગ્રુપના હરિસિંહ સુતરીયા ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા 20 વર્ષથી આર.કે. ગ્રુપ કાર્યરત છે
રાજકોટમાં બિલ્ડર-ફાઈનાન્સર ગ્રુપ પર ત્રાટકેલા ઈન્કમટેકસે અસાધારણ પુર્વ તૈયારી અને ફુલ હોમવર્ક કર્યુ હોય તેમ તમામે તમામ સ્થળના નામ-સરનામા જ નહીં પરંતુ અંદર જવાના અને બહાર નીકળવાના રસ્તાથી પણ વાકેફ હતા. સૂત્રોએ એમ કહ્યું કે છ મહિના કરતા અધિક સમયથી તમામ માહિતી એકત્રીત કરવામાં આવી રહી હતી. તમામના ધંધાકીય સ્થળો તથા રહેઠાણની પણ ઝીણીમાં ઝીણી માહિતી હતી. અગાઉથી જ ‘રેકી’ કરી લેવામાં આવી હોય તેમ ઓફીસ કે રહેઠાણની જગ્યા તો ઠીક ત્યાં પ્રવેશવાના અને બહાર નીકળવાના માર્ગોથી પણ અધિકારીઓ પરીચીત હતા એટલું જ નહીં, આ તમામ સ્થળોના ફોટા પણ સાથે હતા. રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી આર.કે. ગ્રુપ કાર્યરત છે જેઓ કોમર્શિયલ, રેસિડેન્સલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવી રહ્યા છે. તાજેતરમાં તેઓ દ્વારા 8 જેટલા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેથી છેલ્લા એક વર્ષથી આવકવેરા વિભાગ દ્વારા તેમના પર નજર રાખવામાં આવી રહી હતી.
સૌથી મોટું સર્ચ ઓપરેશન
રાજકોટમાં આજથી ત્રણ વર્ષ પૂર્વે સપ્ટેમ્બર 2018માં આયકર વિભાગ દ્વારા રાજકોટમાં 5 જેટલા નામી બિલ્ડર ગ્રુપ ને ત્યાં 200થી વધુ અધિકારીઓ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડેકોરા ગ્રુપના જમનભાઈ પટેલ પુત્ર નિખિલ પટેલ ભાગીદાર કુલદીપ રાઠોડ, ધીરુભાઈ રોકડ પુત્ર ચેતન રોકડ અને ગોપાલ ચુડાસમાના ઓફિસ તેમજ રહેણાંક મકાનમાં પણ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Corona: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17 કેસ, 1 મૃત્યુ, 27 જિલ્લામાં શૂન્ય કેસ
ઇન્કમ ટેક્સ વિભાગને સચોટ માહિતી
ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી આઇટીના સર્વેલન્સમાં હતા આરકે ગ્રુપ અનેક રોકડ અને બેનામી હિસાબો પર આઇટીની વોચ હતી.જે સ્થળોએ રોકડ અને દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા ત્યાં જ દરોડા કરવામાં આવ્યા.બિલ્ડર અને તેના ભાગીદારોની પેઢીમાં દરોડા પહેલા એકાઉટન્ટોની ઓફિસોમાં દરોડા કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં ૪ કરોડ રોકડા ૬ જેટલા એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા મિલ્કતો લે વેચ માટે કાચી ચિઠ્ઠીઓ કબ્જે કરાઇ રોકાણકારો પર પણ આવી શકે છે તવાઇ, મોટું રોકાણ કરનાર સામે પણ આઇટી કરશે તપાસ.
આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનને લઈને આર.કે ગ્રુપના માલિક સર્વાનંદ સોનવાણીની તબિયત લથડી હતી. વોક હાર્ટ હોસ્પિટલના આઈ.સી.યુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાની નોબત આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube