રાજકોટ : કોરોના સમયમાં લેભાગુ તત્વોએ લોકોને લૂંટવાનું એવુ શરૂ કર્યું કે માનવતાને નેવે મૂકી દીધી. સોશિયલ મીડિયામાં લોકોને સહાય કરવાના મેસેજની જગ્યાએ લોકોને છેતરતા મેસેજ ફરતા થયા છે જેના સાવધાન રહેવાની જરૂર છે. કોરોનામાં ઉપયોગમાં આવતી વસ્તુઓને સોશિયલ મીડિયા થકી ઓનલાઈન વેચતી ગેંગને રાજકોટ એલસીબીએ ઝડપી પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસે બે એવા શખ્સોને ઝડપી પાડ્યા છે જે બંનેના કારનામા માનવતાને શરમાવે તેવા છે. આ બંને શખ્સો જયવીન સૂર્યકાન્ત મંગેચા અને વહીદ અમીન રફાઈ છે. બંનેએ શખ્સો કોરોના સમયમાં લોકોની જરૂરિયાતનો ફાયદો ઉઠાવતા હતા. ઓનલાઈન વસ્તુ વેચવાના નામે ફોટો સાથે મૂકતાં અને મોટો ઓર્ડર મળતા રૂપિયા ટ્રાન્સફર કરાવી આચરતાં હતા છેતરપિંડી..


જેતપુરની ટ્રેડિંગ કંપનીનું બોગસ ID બનાવી જાહેરાત
રાજકોટના જેતપુરની શ્રીનાથજી ટ્રેડિંગ નામની પેઢીના માલિક રજનીકાંત દોંગાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જેમાં કોઈએ તેની પેઢીના નામનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી કોરોનામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વેચવાની જાહેરાત કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કરેલી અરજીમાં એ પણ ઉલ્લેખ હતો કે આ જાહેરાતમાં પલ્સ ઓક્સિમીટર, હેન્ડગ્લોવ્ઝ તેમજ કોવિડને લગતી જરૂરી દવાઓ અને સામાન સસ્તા ભાવે આપવાનો દાવો કરતા હતા. તેથી પોલીસે આ અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 


દેશના 13 રાજ્યોના 21 શહેરોમાં છેતરપિંડી
પોલીસે પણ ફરિયાદના આધારે જયવિન મંગેચા અને વહીદ અમીન રફાઈ નામના શખ્સને દબોચી લીધા છે. બન્ને આરોપીઓએ દેશનાં 13 રાજ્યોનાં 21 શહેરોમાં આ પ્રકારે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. બન્ને આરોપી દ્વારા વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે ચાર પલ્સ ઓક્સીમીટર અને બાકીના ઓક્સીમીટરના બોક્સ રાખી ઓક્સીમીટરનો મોટા જથ્થો પોતાની પાસે હોવાનો તથા નાઈટ્રાઈટ હેન્ડ ગ્લોઝ, ફ્લોમીટર, રેમડેસીવીર ઈન્જેકશનના બોકસ, રેયોન કાપડના ટાંકા તેમજ અન્ય જરૂરી દવાઓના જથ્થાના ફોટા તથા વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં સસ્તા ભાવે આપવાનો દાવો કરતા હતા. બંનેના બેંક એકાઉન્ટમાં છેતરપિંડીના રૂપિયા આવ્યા હોવાથી પોલીસે બેંક એકાઉન્ટ હાલ સીલ કર્યા છે. 


દેણું વધી જતાં ગુનાના રવાડે ચઢ્યાં
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ અમદાવાદના વેપારીને નાઇટ્રાઇટ હેન્ડ ગ્લોવ્ઝનાં 5 હજાર બોક્સ આપવાનું કહીને 24 લાખ 86 હજારની છેતરપિંડી આચરી માધુપુર પોલીસના ચોપડે ચઢી ચૂક્યા છે. દેણું થઈ જતાં બંનેએ ઓનલાઈન છેતરપિંડી કરવાનો કિમીયો અજમાવ્યો. બંને ગુજરાત, તેલંગણા, હરિયાણા, રાજસ્થાન સહિત 13 રાજ્યો અને 21 શહેરોમાં છેતરપિંડી આચરી ચૂક્યા છે. પોલીસે બંને પાસેથી પાંચ મોબાઈલ ફોન, કોટક મહિન્દ્રા બેંકના વીઝા કાર્ડ, બેંકનું ડેબિટ કાર્ડ, સહિત કોરોનાને લગતો અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube