રાજકોટ:  રાજકોટના વાચનપ્રેમીઓને નવી ભેટ મળવા જઈ રહી છે. રાજકોટના વોર્ડ-6માં નિર્મિત અદ્યતન લાઇબ્રેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27મી જુલાઈએ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. રૂપિયા ૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત આ ત્રણ માળની લાઇબ્રેરીમાં વાચનપ્રેમીઓ માટે પુસ્તકોના વિશાળ ખજાના સાથે, કલા-સાહિત્યલક્ષી પ્રવૃત્તિઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાચનપ્રેમી રાજકોટવાસી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ-6માં, ગોવિંદ બાગ પાસે, 1586 ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ લાઈબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના વિવિધ વિષયો જેવા કે સાહિત્ય ફિલોસોફી, ધર્મ, સામાજિક શાસ્ત્રો, વિવિધ ભાષાઓ, ટેક્નોલૉજી, વિજ્ઞાન વગેરે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો, દિવ્યાંગોના પુસ્તકો, સંદર્ભ ગ્રંથો મળીને 33 હજાર જેટલા પુસ્તકો છે. આ સાથે ઓનલાઇન ડેટા એક્સેસ કેટલોગ, ઓનલાઈન ઈ-બુક, ઈ-જર્નલ વગેર સુવિધા છે. રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ અહીં વિશાળ સ્ત્રોતની સુવિધા ઊભી કરાઈ છે. 


વિદ્યાર્થીઓ-યુવાનો સિવિલ સેવા તેમજ સરકારી સેવામાં જોડાવા માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે ત્યારે અહીં યુ.પી.એસ.સી./જી.પી.એસ.સી. તથા અન્ય ઉચ્ચ અભ્યાસની તૈયારી માટે સ્ટુડન્ટ સ્ટડી કોર્નરની વ્યવસ્થા નિર્માણ કરાઈ છે. બહેનો, બાળકો તથા વિદ્યાર્થીઓને ઉપયોગી એવી વિવિધ વાચન સામગ્રી, એજ્યુકેશનલ જનરલ નોલેજ, જિયોગ્રાફી, સ્પોર્ટ્સ, જ્યોતિષ, ધર્મ, પઝલ્સ, યોગ તથા આરોગ્ય વિષયક વિવિધ 200 જેવા મેગેઝીન તથા 20 જેવા વર્તમાનપત્રો આ લાઇબ્રેરીમાં વાંચવા મળશે.


આ પણ વાંચોઃ કરોડપતિ નબીરાની બહેનપણીઓ ગળાનો ગાળિયો બની : જોડે હતા એ ખાસમખાસ સજા અપાવશે


અહીં ઈ-લાઇબ્રેરી, વાઇફાઇ સેવાઓ, ઓનલાઇન પબ્લિક એક્સેસ, કરંટ એક્સેસ સર્વિસ, રેડી રેફરન્સ સર્વિસ, જનરલ વાંચનાલય, વિદ્યાર્થી વાંચનાલય, મેગેઝીન ક્લબ સેવા, ઝેરોક્ષની સુવિધા, ડિજિટલ લાયબ્રેરી સેવા, ઇન્ટરનેટ સર્ચ જેવી સેવાઓ પણ મળશે. બાળકોની કલ્પનાશક્તિ અને વિચારવાની ક્ષમતામાં વધારો થાય, તે માટે વિવિધતાસભર બાળસાહિત્ય પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બાળકો માટે બોર્ડ, લર્નિંગ ગેમ્સ, વુડન તેમજ સોલ્યુશન વગેરે પઝલ, વિવિધ રમતો, મ્યુઝિકલ બેટરી ઓપરેટેડ રમકડાં વગેરે જેવા ૧૯૦૦થી વધુ પઝલ્સ અને રમકડાંઓનો ખજાનો પણ અહીં છે. 


લાયબ્રેરીમાં મિનિ થિયેટર નિર્માણ પણ કરાયું છે. બાળફિલ્મ શો, ડોક્યુમેન્ટરી શો, વર્કશોપ, બુક રીવ્યૂ, બુક ટોક, ક્વિઝ કોમ્પિટિશન, સેમિનાર, કાઉન્સેલિંગ, કાવ્ય પઠન, ફિલ્મ રીવ્યૂ, પ્રસિદ્ધ ફિલ્મોના શો તેમજ વિવિધ સ્પર્ધાના આયોજન સાથે લોકોને મનોરંજન સાથે જ્ઞાન પીરસવામાં આવશે.  જાહેરજનતા આ લાયબ્રેરીનો લાભ સોમવારથી શનિવાર સવારે 9 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી તથા રવિવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી લઈ શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube