ગૌરવ દવે/રાજકોટ: કાયદાને હાથમાં લઈ ફેમસ થવા વિડીયો બનાવી વાઇરલ કરનાર અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રાજકોટમાં તોફાની રાધા નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હાલ ચર્ચામાં છે. તોફાની રાધાના ઈન્સ્ટાગ્રામમાં ત્રણ વિડીયો રિલ્સ છે જે હાલ ચર્ચામાં છે. ગાંજા જેવા દેખાતા પદાર્થનું સેવન કરતી હોઈ, જેતપુર ટોલનાકાનું બેરિયર તોડતી હોઈ તે પ્રકારના ત્રણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાયરલ થયેલા વિડીયો મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. એટલે કે એવું કહી શકાય કે તોફાની રાધાને વીડિયો રિલ બનાવવા ભારે પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં બેસી ઉતારેલા વીડિયોની રીલ બનાવનાર તોફાની રાધાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તોફાની રાધા એ પોલીસ સ્ટેશનમાં ઉતારેલો વિડીયો બેખોફપણે રીલ બનાવી અપલોડ કર્યો હોવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. તમને જણાવીએ કે તોફાની રાધા અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકી છે. ટોલનાકે પણ બેરીકેડ તોડી કાર હંકારી રહ્યાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.



આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં તોફાની રાધા તરીકે ઓળખાતી નામચીન યુવતીએ પોલીસ સ્ટેશનમાં ઉતારેલા વીડિયોની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા પોલીસને રીતસર પડકાર ફેંકતી હોય તેવા આ વીડિયોએ ચારેબાજુ ચર્ચાનું વંટોળ ઉભું કર્યું છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તાકીદે તપાસ હાથ ધરી આ યુવતીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.


અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી તોફાની રાધા નામનું આઈડી ધરાવનાર વિવાદાસ્પદ યુવતીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રીલ અપલોડ કરી છે. જેમાં તે પોલીસ સ્ટેશનમાં ખુરશી પર બેઠી હોય તેવું નજરે પડે છે અને તે કોઈ લેડી ડોન હોય તેવી સ્ટાઇલથી ડાયલોગ બોલી રહી છે. તમારા નામની એફઆઈઆર ફાટે અને કહે કે "હે બાપા અમને જામીન મળશે, અમને જામીન મળશે અરે માય કાંગલીનાવ તો તમારે બાધવા જ નો જવાય " વિડીયો પ્રનગર - પોલીસ મથકમાં ઉતારી વાયરલ કરતાં પોલીસમાં દોડધામ મચી હતી. આ રીલ વાયરલ થયા બાદ પોલીસે પણ તાકીદે તપાસ શરૂ કરી હતી. વાયરલ વીડિયો પ્રધુમનનગર પોલીસ મથકમાં ઉતારવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. 



પરંતુ સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયો ત્રણેક વર્ષ પહેલા ઉતારેલો હોય અને તેની રીલ બનાવી વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા ઉચ્ચ અધિકારીએ તપાસના આદેશ કરતા પીઆઈ વાળા સહિતના સ્ટાફે નામચીન યુવતીને પકડી લેવા તજવીજ હાથ ધરી હતી.


તોફાની રાધા ઉર્ફે રાધિકા ધામેચાએ માફી માંગી
આ ઘટના ચર્ચામાં આવ્યા બાદ તોફાની રાધા ઉર્ફે રાધિકા ધામેચાએ માફી માંગી લીધી છે. તોફાની રાધાએ માફી માગતો વિડીયો શેર કર્યો છે. શેર કરેલા વીડિયોમાં તેણે જણાવ્યું છે કે, હવે પછીથી ક્યારેય હું ગેર પ્રવૃત્તિ નહીં કરું, પોલીસે મને કાયદાનું ભાન કરાવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube