હોટલ ફટાફટ ખાલી કરો... રાજકોટની ટોચની 10 હોટલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Bomb Threat : રાજકોટની ફેમસ કહેવાય તેવી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ સહિત 10 હોટલોને ઇ-મેઈલ મળ્યો, કડક ચેકિંગ હાથ ધરાયું
Rajkot News : દેશભરમાં હાલમાં 100 થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત છે. ત્યાં હવે રાજકોટની 10 હોટેલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભર્યો ઇ-મેઈલ મળતા પોલીસ હરકતમાં આવી છે. તહેવાર સમયે જ ધમકી મળતા રાજકોટ પોલીસમાં દોડધામ વધી ગઈ છે. બૉમ્બ સ્કવોર્ડ સહિતની ટીમોએ તમામ હોટલોમાં સઘન ચેકીંગ હાથ ધર્યું છે. પોલીસ ચેકીંગમાં કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.
ફાઈવ સ્ટાર હોટલને પણ મળી ધમકી
રાજકોટની 5 સ્ટાર હોટલો સહિત 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ આવ્યો છે. રાજકોટની જાણીતી ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્સ હોટલ, હોટલ ગ્રાન્ડ રેજંસી સહિતની હોટલ સામેલ છે. આ એવી હોટલો છે, જ્યાં બહારથી રાજકોટ આવતા સેલિબ્રિટીઝ અને મહેમાનો રોકાય છે.
મેઈલમાં શું લખ્યું છે
ધમકીભર્યા મેઈલમાં લખ્યું છે કે, મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં નીકળી જશે. આજે અનેક નિર્દોષોના જીવ જશે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો. હમણાં જ ખાલી કરો.